અમદાવાદમાં વસતા અને 99 વર્ષની આયુ ધરાવતા સ્વાતંત્ર્ય સેનાની ભવાનીશંકર હરગોવિંદદાસ પંડ્યાનું જીવન રાષ્ટ્રસેવા અને ત્યાગનું અમર ઉદાહરણ છે. માત્ર 17 વર્ષની વયે દેશની આઝાદી માટે હિંદ છોડો ચળવળમાં ઝંપલાવનાર ભવાનીશંકર પંડ્યા આજે પણ દેશની પ્રગતિ જોઈને નવયુવાન જેવો ઉત્સાહ અનુભવે છે.
રવિશંકર મહારાજનો સંગ અને જેલવાસનો કઠિન સમય
-
દેશભક્તિના સંસ્કાર: મહેમદાબાદના સરસવણી ગામે જન્મેલા ભવાનીશંકરજીનું બાળપણ રાષ્ટ્રસંત રવિશંકર મહારાજના સાનિધ્યમાં વીત્યું હતું.
-
કરો યા મરો આંદોલન: 1942માં ગાંધીજીના આહ્વાનથી પ્રેરાઈને તેઓ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. આ દરમિયાન તેમણે બોરસદ જેલમાં 21 દિવસ અને સાબરમતી જેલમાં 1 વર્ષનો કડક જેલવાસ ભોગવ્યો હતો.
-
દિગ્ગજોનું માર્ગદર્શન: જેલવાસ દરમિયાન તેમણે મોરારજી દેસાઈ અને ગણેશ વાસુદેવ માવળંકર જેવા મહાન દેશનેતાઓ સાથે રહી રાષ્ટ્રસેવાના મૂલ્યો કેળવ્યા હતા.
આઝાદી બાદ શિક્ષણ દ્વારા રાષ્ટ્રનિર્માણ અને પેન્શનનો ત્યાગ
-
શિક્ષણ ક્ષેત્રે યોગદાન: આઝાદી પછી પણ રાષ્ટ્રનિર્માણ ચાલુ રાખી તેમણે વિવિધ શાળાઓમાં પ્રિન્સિપાલ અને નિયામક તરીકે સેવા આપી અનેક ગરીબ વિદ્યાર્થીઓને ડોક્ટર, એન્જિનિયર અને પ્રોફેસર બનાવ્યા.
-
સરકારી પેન્શનનો અસ્વીકાર: દેશપ્રેમનું અનન્ય ઉદાહરણ પૂરું પાડતાં તેમણે ગુજરાત સરકાર દ્વારા સ્વાતંત્ર્ય સેનાની તરીકે મળતાં પ્લોટ અને પેન્શનનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. તેમનું માનવું હતું કે આ નાણાં દેશના કલ્યાણકારી કાર્યોમાં વપરાવા જોઈએ.
99 વર્ષની વયે પણ અદમ્ય ઉત્સાહ
આજે 99 વર્ષની વયે પણ તેમનામાં નિવૃત્તિનો ભાવ નથી. તેઓ વધુ 5 વર્ષ આયુષ્યની પ્રાર્થના કરે છે જેથી વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતને નવી ઊંચાઈઓ અને સુવર્ણ કાળ તરફ આગળ વધતો જોઈ શકે. તેમનું જીવન સાબિત કરે છે કે સાચો દેશપ્રેમ ક્યારેય વયના બંધનમાં બંધાતો નથી.










