આવકવેરા રિટર્નમાં 5.9 કરોડનો આંકડો પાર: 31 જુલાઈની ડેડલાઇને નોંધાયું જંગી ફાઇલિંગ

ITR-1માં ઘટાડો, ટેક્સ મુક્તિ મર્યાદા વધતા લાખો કરદાતાઓ ટેક્સના દાયરાથી બહાર

નવી દિલ્હી: એસેસમેન્ટ વર્ષ 2026-27 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની 31 જુલાઈની સમયમર્યાદા પૂર્ણ થતાં દેશભરમાં 5.9 કરોડથી વધુ આવકવેરા રિટર્ન દાખલ થયા છે. પ્રથમ તબક્કાના આંકડાઓ મુજબ ITR-1 હેઠળ આશરે 3.15 કરોડ રિટર્ન ફાઇલ થયા છે, જે ગયા વર્ષની સરખામણીએ ઓછા નોંધાયા છે.

આવકવેરા વિભાગના જણાવ્યા મુજબ ITR-2નું ફાઇલિંગ લગભગ ગયા વર્ષ જેટલું જ રહ્યું છે. જ્યારે ITR-1માં નોંધાયેલા ઘટાડાનું મુખ્ય કારણ આવકવેરા મુક્તિ મર્યાદામાં કરાયેલ વધારો હોવાનું માનવામાં આવી રહ્યું છે. નવી કર વ્યવસ્થાના અમલ બાદ મોટી સંખ્યામાં કરદાતાઓ ટેક્સના દાયરાની બહાર આવતા રિટર્ન ફાઇલિંગમાં ઘટાડો જોવા મળ્યો છે.

31 જુલાઈની ડેડલાઇન પહેલાં અંતિમ દિવસોમાં પોર્ટલ પર મોટી સંખ્યામાં કરદાતાઓએ રિટર્ન ફાઇલ કરતાં નોંધપાત્ર ટ્રાફિક જોવા મળ્યો હતો. તેમ છતાં આવકવેરા વિભાગનું ઓનલાઈન પોર્ટલ સતત કાર્યરત રહ્યું અને કરોડો કરદાતાઓએ સમયમર્યાદા પહેલાં સફળતાપૂર્વક પોતાની પ્રક્રિયા પૂર્ણ કરી.

હવે વિભાગ રિટર્નની ચકાસણી, પ્રોસેસિંગ અને રિફંડની કામગીરી ઝડપી બનાવશે. નિષ્ણાતોના મતે, ટેક્સ મુક્તિ મર્યાદામાં થયેલા વધારાની અસર આ વર્ષની ITR-1 ફાઇલિંગમાં સ્પષ્ટપણે જોવા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE