મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે રાજકોટના પ્રવાસે: ₹200 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મુખ્ય કાર્યક્રમ; વયોશ્રી યોજના હેઠળ 800થી વધુ વરિષ્ઠ નાગરિકોને સહાયનું વિતરણ

રાજકોટ: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવાર, 2 ઓગસ્ટે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. હીરાસર એરપોર્ટ પર આગમન બાદ તેઓ વિવિધ જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે અને ₹200 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રીના આગમનને લઈને જિલ્લા વહીવટી તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.

પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી પુજિત વિજય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રાજકોટ મહાનગરપાલિકા અને યુનિવર્સિટીના સંયુક્ત વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહમાં ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમમાં પમ્પિંગ હાઉસ, મટિરિયલ રિકવરી પ્લાન્ટ, નવા બ્રિજ, આરોગ્ય કેન્દ્રો, વોર્ડ ઓફિસો, માર્ગ અને ગટર વિકાસ સહિતના અનેક પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે. ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કોમ્યુનિટી હોલ, લાઇબ્રેરી અને આરોગ્ય કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.

આ પ્રસંગે વયોશ્રી યોજના હેઠળ 800થી વધુ વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક સાધનોનું વિતરણ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. ત્યારબાદ તેઓ શહેરના અન્ય કાર્યક્રમમાં હાજરી આપીને રાત્રે હીરાસર એરપોર્ટથી અમદાવાદ પરત ફરશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ મુખ્યમંત્રીનો આ પ્રથમ રાજકોટ પ્રવાસ હોવાથી ભાજપ સંગઠન, જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક નાગરિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર કાર્યક્રમ માટે સુરક્ષા અને ટ્રાફિક સહિતની તમામ વ્યવસ્થાઓ સજ્જ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE