ગુજરાતમાં મેઘતાંડવની ચેતવણી: અમદાવાદ, વડોદરા અને નવસારીની શાળાઓમાં રજા, 8 જિલ્લામાં રેડ એલર્ટ

ચાર હવામાન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં હાઈ એલર્ટ; NDRF-SDRF સ્ટેન્ડબાય, તંત્રે આગોતરી તૈયારીઓ શરૂ કરી

અમદાવાદ: ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ભારતીય હવામાન વિભાગે 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. સંભવિત ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ, વડોદરા અને નવસારીની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ અમલમાં મૂકાયું છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ 31 જુલાઈ અને 1 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તાજેતરમાં દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ જેવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે રાજ્ય સરકારે આગોતરા તૈયારીઓ શરૂ કરી છે.

વેધર વોચ ગ્રુપની બેઠકમાં સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. NDRF, SDRF સહિત તમામ બચાવ દળોને સ્ટેન્ડબાય રાખવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ રેવન્યુ, મહાનગરપાલિકા, માર્ગ-મકાન, વીજ વિભાગ અને સ્થાનિક તંત્રને સંકલન સાથે કામગીરી કરવા નિર્દેશ અપાયા છે.

રાહત કમિશનરે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો પર ખાસ નજર રાખવા, જોખમી મકાનો અને હોર્ડિંગ્સ દૂર કરવા તેમજ જરૂર પડે ત્યાં આગોતરા સ્થળાંતરની તૈયારી રાખવા સૂચના આપી છે. નાગરિકોને નદી-નાળા અને જળાશયોથી દૂર રહેવા તેમજ બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ પણ કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ ગુજરાત પર ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ચાર હવામાન સિસ્ટમ એકસાથે સક્રિય છે. તેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ, તેજ પવન અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE