બંગાળની ખાડીમાં સર્જાયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય; દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની સંભાવના
અમદાવાદ: ગુજરાતમાં વરસાદને લઈને ફરી એક વખત સારા સમાચાર સામે આવ્યા છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમના પ્રભાવથી રાજ્યમાં 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને 31 જુલાઈએ કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના અહેવાલ મુજબ હાલ ડીપ ડિપ્રેશન ઉત્તર ઓડિશા, ઝારખંડ અને છત્તીસગઢ વિસ્તારમાં કેન્દ્રિત છે અને પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. તેની અસર હેઠળ આગામી દિવસોમાં ગુજરાત સહિત પશ્ચિમ અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં વરસાદી ગતિવિધિ તેજ બનવાની સંભાવના છે.
રાજ્યમાં પ્રથમ તબક્કામાં નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદનું જોર વધશે. ત્યારબાદ 31 જુલાઈએ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે. ઉપરાંત આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન વ્યાપક વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ નવા વરસાદી રાઉન્ડને કારણે નદી-નાળા અને જળાશયોમાં પાણીની આવક વધવાની તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને સતર્ક રહેવા, નદી-નાળાઓથી દૂર રહેવા અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.











