ચંબા, કાંગડા, મંડી, શિમલા અને સિરમૌરમાં ભારે વરસાદની ચેતવણી; 1 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ યથાવત
શિમલા: હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર હવામાન પલ્ટાતા રાજ્યમાં ભારે વરસાદની નવી આગાહી કરવામાં આવી છે. મોડી રાતથી અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
હવામાન વિભાગે ચંબા, કાંગડા, મંડી, શિમલા અને સિરમૌર જિલ્લામાં ભારે વરસાદ સાથે પૂર અને ભૂસ્ખલનના જોખમ અંગે એલર્ટ જાહેર કર્યું છે. સતત વરસાદને કારણે પર્વતીય વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
શિમલા અને કુલ્લુ સહિતના વિસ્તારોમાં આખી રાત વરસાદ વરસ્યો હતો. માર્ગો પર પાણી ભરાવા અને ભૂસ્ખલનની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન એલર્ટ મોડમાં આવ્યું છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ જોખમી વિસ્તારોમાંથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ 1 ઓગસ્ટ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વ્યાપક વરસાદ ચાલુ રહેશે. તંત્રે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને સાવચેતી રાખવા તથા હવામાન સંબંધિત સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.











