વધતા ઉત્પાદન ખર્ચની સીધી અસર; FMCG, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ સેક્ટરની કંપનીઓએ ભાવવધારાની કરી જાહેરાત
નવી દિલ્હી: ઓગસ્ટ મહિનાથી સામાન્ય લોકોના ઘરખર્ચ પર વધુ એક ભાર વધવાનો છે. કાચા માલના વધતા ભાવ, દરિયાઈ પરિવહન ખર્ચમાં વધારો અને રૂપિયાના અવમૂલ્યનને કારણે અનેક મોટી કંપનીઓએ પોતાની પ્રોડક્ટ્સના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં ચા, હેર ઓઈલ, ટીવી, રેફ્રિજરેટર, બ્રાન્ડેડ કપડાં અને પેસેન્જર કાર સહિત અનેક વસ્તુઓના ભાવમાં 6થી 8 ટકા સુધી વધારો થવાની શક્યતા છે.
ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં ટીવી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીનના ભાવ ફરી વધશે. મેમરી ચિપ અને અન્ય કાચા માલના ખર્ચમાં સતત વધારો થતાં ઉત્પાદકો પર ખર્ચનું ભારણ વધ્યું છે.
ઓટોમોબાઈલ ક્ષેત્રમાં પણ ભાવવધારો અનિવાર્ય બન્યો છે. મારુતિ સુઝુકી ઓગસ્ટથી કેટલીક કારોના ભાવમાં ₹30,000 સુધીનો વધારો કરશે, જ્યારે હોન્ડા કાર્સ સહિત અન્ય કંપનીઓ પણ નવા ભાવ અમલમાં મૂકશે.
FMCG અને ફેશન સેક્ટરમાં પણ મોંઘવારીની અસર જોવા મળશે. ખાદ્ય તેલ, પ્લાસ્ટિક અને પેકેજિંગ સામગ્રીના વધેલા ખર્ચને કારણે બ્રાન્ડેડ કપડાં તેમજ રોજિંદા વપરાશની અનેક વસ્તુઓના ભાવમાં વધારો થશે. કંપનીઓ તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલાં જ નવા ભાવ લાગુ કરવાની તૈયારીમાં છે, જેના કારણે ઓગસ્ટથી ગ્રાહકોને વધુ ખર્ચનો સામનો કરવો પડશે.











