સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારને ‘ફાટક મુક્ત’ બનાવવાના મહત્વાકાંક્ષી આયોજનને કેન્દ્ર સરકારની મંજૂરી મળતા વર્ષો જૂની સમસ્યાના કાયમી નિરાકરણ તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. કેન્દ્ર સરકારે રૂ. 32.54 કરોડના ખર્ચે ત્રણ રેલવે અન્ડરબ્રિજના નિર્માણને મંજૂરી આપી છે, જ્યારે તેની ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, લીલીયા શહેરના LC-41C (સરકારી હોસ્પિટલ નજીક), LC-42B-1 (અમરેલી-ક્રાંકચ રોડ, નાના લીલીયા ફાટક) તેમજ સાવરકુંડલાના LC-61C (સ્મશાન નજીકના રેલવે ફાટક) ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ રેલવે અન્ડરબ્રિજ બનાવવામાં આવશે.
આ પ્રોજેક્ટ માટે સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ સતત પ્રયાસો કર્યા હતા. તેમણે રેલવે વિભાગના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ સાથે સ્થળ મુલાકાતો કરીને ટ્રાફિકની સ્થિતિ, સ્થાનિકોની સમસ્યાઓ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી રજૂઆતો કરી હતી, જેના આધારે કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
રેલવે અન્ડરબ્રિજનું નિર્માણ પૂર્ણ થયા બાદ દરરોજ હજારો વિદ્યાર્થીઓ, દર્દીઓ, ખેડૂતો, વેપારીઓ અને નોકરીયાતોને રેલવે ફાટકો બંધ રહેવાના કારણે થતી લાંબી રાહમાંથી મુક્તિ મળશે. સાથે જ એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય ઇમરજન્સી સેવાઓને પણ અવરોધ વિના ઝડપથી પસાર થવામાં સરળતા રહેશે.
આ અંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, “વિકાસનો અર્થ માત્ર રસ્તા કે મકાનો નથી, પરંતુ લોકોનો સમય બચાવવો, તેમની સુરક્ષા વધારવી અને જીવનને સરળ બનાવવું પણ એટલું જ મહત્વનું છે. ‘ફાટક મુક્ત સાવરકુંડલા-લીલીયા’નો સંકલ્પ હવે સાકાર થવા તરફ આગળ વધી રહ્યો છે.”
આ નિર્ણયને સમગ્ર સાવરકુંડલા-લીલીયા પંથકમાં આવકાર મળ્યો છે. સ્થાનિક વેપારીઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને સામાજિક સંસ્થાઓએ વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ તરફના આ પગલાને વિકાસલક્ષી નિર્ણય ગણાવી પ્રશંસા વ્યક્ત કરી છે.
ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ આ પ્રોજેક્ટ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાનો આભાર વ્યક્ત કર્યો છે.











