હેડક્વાર્ટર પરિસરમાં મૃત હાલતમાં મળ્યા; મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે અગરતલાની જી.બી. હોસ્પિટલ ખસેડાયો
અગરતલા: ત્રિપુરાના પોલીસ મહાનિર્દેશક (DGP) અનુરાગ ધનકરનું પોલીસ હેડક્વાર્ટર પરિસરમાં અવસાન થતાં સમગ્ર રાજ્યના પોલીસ તંત્રમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, DGP અનુરાગ ધનકર હેડક્વાર્ટર પરિસરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી માટે અગરતલાની સરકારી જી.બી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળને કબજામાં લઈ ફોરેન્સિક તપાસ સહિત જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાના સંજોગો અને કારણો જાણવા માટે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ ચાલી રહી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાને લઈને વધુ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે. સમગ્ર ઘટના બાદ પોલીસ બેડા તેમજ વહીવટી તંત્રમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.











