₹2,900 કરોડની લોનમાં ગેરરીતિની તપાસ તેજ; મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જપ્ત
નવી દિલ્હી: બહુચર્ચિત ₹1,109 કરોડના બેંક લોન કૌભાંડમાં કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (CBI)એ ગુપ્તા પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સામે મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે. ભુવનેશ્વરની વિશેષ CBI અદાલતના સર્ચ વોરંટના આધારે કંપનીના ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને ઝારખંડ સ્થિત અનેક ઠેકાણાઓ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.
દરોડા દરમિયાન CBIએ કંપનીના નાણાકીય વ્યવહારો, લોન સંબંધિત દસ્તાવેજો અને અન્ય મહત્વના ડિજિટલ પુરાવાઓ જપ્ત કર્યા છે. આ પુરાવાઓના આધારે સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
CBIના પ્રાથમિક તારણો મુજબ, કંપનીએ બેંકો પાસેથી વધુ લોન મેળવવા માટે નાણાકીય આંકડા, સ્ટોકનું મૂલ્યાંકન અને અન્ય દસ્તાવેજોમાં ગેરરીતિ કરીને ખોટી વિગતો રજૂ કરી હતી. ત્યારબાદ મંજૂર કરાયેલી લોનની રકમનો મૂળ હેતુ સિવાય અન્ય ખાતાઓ અને પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.
તપાસમાં સામે આવ્યું છે કે ગુપ્તા પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે વિવિધ બેંકોના કન્સોર્ટિયમ પાસેથી અંદાજે ₹2,900 કરોડની લોન મેળવી હતી. જેમાં પંજાબ નેશનલ બેંકના ₹270 કરોડ અને બેંક ઓફ ઇન્ડિયાના ₹223 કરોડ સહિતની મોટી બાકી રકમને લઈને પણ તપાસ ચાલી રહી છે.
CBIના અધિકારીઓના જણાવ્યા મુજબ, સમગ્ર નાણાકીય વ્યવહારોની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. કેસમાં વધુ વ્યક્તિઓ, કંપનીઓ અથવા અન્ય સંડોવણી સામે આવે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને તપાસનો વ્યાપ વધુ વિસ્તૃત કરવામાં આવ્યો છે.











