વરસાદની ખાધથી ચિંતા વધીઃ દેશમાં ખરીફ વાવેતર 16% ઘટ્યું, અછત માટે કેન્દ્ર સરકાર સજ્જ

17 જુલાઈ સુધી સરેરાશ વરસાદમાં 24 ટકાની ખાધ; ચોખા, કપાસ અને તેલીબિયાના વાવેતર પર સૌથી વધુ અસર

નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં ચોમાસું અપેક્ષા મુજબ સક્રિય ન થતાં કૃષિ ક્ષેત્ર પર તેની સીધી અસર જોવા મળી રહી છે. વરસાદની અછતને કારણે ખરીફ પાકના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કેન્દ્ર સરકારે વરસાદની ગંભીર ખાધ ધરાવતા વિસ્તારો માટે અછત વ્યવસ્થાપનની તૈયારી શરૂ કરી હોવાનું જણાવ્યું છે.

સત્તાવાર માહિતી મુજબ 17 જુલાઈ સુધી દેશમાં સરેરાશ 24 ટકા વરસાદની ખાધ નોંધાઈ છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં 22 ટકા, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં 36 ટકા, મધ્ય ભારતમાં 14 ટકા તથા દક્ષિણ ભારતમાં 27 ટકા ઓછો વરસાદ નોંધાતા ખેતી પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે.

વરસાદના અભાવે ખરીફ સિઝનમાં અત્યાર સુધી 53.1 મિલિયન હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, જે ગયા વર્ષની સરખામણીએ આશરે 16 ટકા ઓછું છે. ખાસ કરીને ચોખા, કપાસ અને તેલીબિયાના પાકના વાવેતરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે જ્યાં વરસાદની સ્થિતિ ગંભીર છે ત્યાં જરૂરી અછત નિવારણ યોજના અમલમાં મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ખેડૂતોને જરૂરી સહાય પૂરી પાડવા માટે તમામ રાજ્યો સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે.

તેમણે જણાવ્યું કે દેશમાં કૃષિ ઉત્પાદકતામાં હજુ પણ મોટો તફાવત જોવા મળે છે. કેટલાક પાકોમાં ઉત્પાદન ક્ષમતા ઊંચી હોવા છતાં ચોખા અને કઠોળ જેવા મુખ્ય પાકોની ઉત્પાદકતા મર્યાદિત હોવાથી ઉત્પાદન વધારવા માટે વિશેષ પ્રયાસોની જરૂર છે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે ભારત હજુ પણ કઠોળ અને ખાદ્ય તેલના મામલે આયાત પર નિર્ભર છે. હાલ દેશ પોતાની કુલ જરૂરિયાતમાંથી આશરે 20 ટકા કઠોળ અને 58 ટકા ખાદ્ય તેલ વિદેશમાંથી આયાત કરે છે. વરસાદની અનિશ્ચિતતા યથાવત રહેશે તો આગામી સમયમાં કૃષિ ઉત્પાદન અને બજાર ભાવ પર પણ તેની અસર જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE