વરસાદી અનિશ્ચિતતા, મગફળીની ઓછી આવક અને વૈશ્વિક તેજીની સીધી અસર; રાજકોટ બજારમાં સિંગતેલ રૂ.2,845એ પહોંચ્યું
રાજકોટ: ખાદ્ય તેલના બજારમાં તેજીનો દોર યથાવત રહેતાં સિંગતેલના ભાવમાં આજે ફરી વધારો નોંધાયો છે. રાજકોટ તેલ બજારમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.15નો વધારો થતાં ભાવ રૂ.2,795થી વધીને રૂ.2,845 સુધી પહોંચ્યા છે. છેલ્લા માત્ર બે દિવસમાં જ સિંગતેલના ભાવમાં ડબ્બે રૂ.25નો ઉછાળો નોંધાતા ગ્રાહકોનું બજેટ વધુ ભારણમાં આવ્યું છે.
અન્ય ખાદ્ય તેલોમાં પણ તેજી જોવા મળી રહી છે. કપાસિયા તેલમાં ડબ્બે રૂ.10નો વધારો થતાં ભાવ રૂ.2,665થી રૂ.2,715 થયા છે, જ્યારે પામોલીન તેલમાં રૂ.5નો વધારો નોંધાતા ભાવ રૂ.2,365થી રૂ.2,370 સુધી પહોંચ્યા છે.
વેપારીઓના જણાવ્યા મુજબ, મગફળીની આવકમાં ઘટાડો, નાફેડ દ્વારા ઊંચા ભાવે થતું વેચાણ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલી તેજીના કારણે ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ચોમાસાની અનિશ્ચિત સ્થિતિને કારણે બજારમાં ભાવ વધુ ઊંચા જવાની માનસિકતા પણ જોવા મળી રહી છે.
બજારના જાણકારોના મતે જો કાચા માલનો પુરવઠો સામાન્ય નહીં બને અને વરસાદની સ્થિતિમાં સુધારો નહીં આવે તો આગામી દિવસોમાં ખાદ્ય તેલના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે. જેના કારણે ઘરેલુ ગ્રાહકો ઉપરાંત હોટલ અને ફૂડ ઇન્ડસ્ટ્રી પર પણ તેની સીધી અસર જોવા મળી શકે છે.











