જૈશ-એ-મોહમ્મદ સાથે કડીના પુરાવા મળ્યા; રાજ્યમાં 8 વખત બોમ્બ પરીક્ષણ, પાકિસ્તાની હેન્ડલર પાસેથી મળતા હતા નિર્દેશ
અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ રાજ્યમાં સક્રિય થવા પ્રયાસ કરી રહેલા આતંકી મોડ્યુલનો મોટો પર્દાફાશ કરતાં પખવાડિયામાં કુલ 13 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન આરોપીઓના જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ હોવાના સંકેતો મળ્યા છે, જ્યારે ગુજરાતમાં આઠ વખત વિસ્ફોટક પરીક્ષણો કરવામાં આવ્યા હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે.
ATSએ ગત 3 જુલાઈએ ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી આઠ શંકાસ્પદ ઓપરેટિવ્સની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ દરમિયાન વધુ પાંચ શખ્સોના નામ સામે આવતા તાજેતરમાં તેમને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ માટે 24 જુલાઈ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી વિસ્ફોટક બનાવવાની સામગ્રી, બોમ્બ તૈયાર કરવાની માહિતી, ઉશ્કેરણીજનક સાહિત્ય અને મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓએ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં આઠ વખત વિસ્ફોટના પ્રયોગો કર્યા હતા.
તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અમીને ટાઈમ બોમ્બ તૈયાર કરવાનો પ્રયાસ કર્યો હતો. તે નિષ્ફળ જતાં વિસ્ફોટક સામગ્રી અન્ય આરોપી બિલાલ આબિદ શેખને સોંપવામાં આવી હતી. સમગ્ર કાવતરામાં અનેક લોકો અલગ-અલગ ભૂમિકામાં સંકળાયેલા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રાથમિક તપાસમાં આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાનમાં બેઠેલા ‘અબ્દુલ્લા સાહબ’ નામના હેન્ડલરના સતત સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. તેના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આતંકી નેટવર્ક ઉભું કરવાની યોજના પર કામ ચાલી રહ્યું હતું. તપાસમાં આરોપીઓને રૂ.3 લાખની નાણાકીય મદદ પણ મળ્યાના પુરાવા સામે આવ્યા છે.
ATS હાલ આરોપીઓના સ્થાનિક સંપર્કો, ફંડિંગ નેટવર્ક, વિસ્ફોટક સામગ્રીના સ્ત્રોત અને સંભવિત ટાર્ગેટ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે સમયસરની આ કાર્યવાહીના કારણે રાજ્યમાં સંભવિત મોટી આતંકી ઘટનાને ટાળી શકાયી છે.











