1948થી થયેલા તમામ ભંગ થશે નિયમિત; 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં, લાખો જમીનધારકોને મળશે સીધી રાહત
ગાંધીનગર: ગુજરાતમાં જમીન સંબંધિત કાયદાઓમાં સૌથી મોટા સુધારાઓ પૈકીના એક તરીકે ગણાતા ટુકડા ધારા-1947માં રાજ્ય સરકારે કરેલા ફેરફારોને રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા હવે નવા નિયમો અમલમાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતો, જમીનધારકો અને મિલકત માલિકોને લાંબા સમયથી ચાલી આવતી કાયદાકીય મુશ્કેલીઓમાંથી રાહત મળશે.
નવી જોગવાઈ મુજબ વર્ષ 1948થી અત્યાર સુધી ટુકડા ધારાના ભંગ હેઠળ આવેલા તમામ કેસો હવે કોઈપણ પ્રકારની પેનલ્ટી વિના નિયમિત કરવામાં આવશે. આ નિર્ણયથી વર્ષોથી અટવાયેલા જમીન સંબંધિત હજારો કેસોના ઉકેલનો માર્ગ સરળ બનશે.
સુધારા બાદ સમગ્ર ગુજરાતમાં 10 ગુંઠાનો એકસમાન ધોરણ અમલમાં રહેશે. સાથે જ શહેરી વિસ્તારોને ટુકડા ધારાની જોગવાઈમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી હોવાથી રિયલ એસ્ટેટ, આવાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નોંધપાત્ર વેગ મળશે.
આ નિર્ણયના પરિણામે બિનખેતી (NA) મંજૂરી, જમીનની ખરીદી-વેચાણ, પ્લોટિંગ અને બાંધકામ સંબંધિત પ્રક્રિયાઓ વધુ સરળ અને ઝડપી બનશે. જમીન સંબંધિત વિવાદોમાં થતા સમય અને નાણાંના વ્યયમાં ઘટાડો થશે તેમજ વહીવટી પ્રક્રિયામાં પણ પારદર્શિતા વધશે.
રાજ્ય સરકારના મતે આ સુધારો માત્ર કાયદાકીય ફેરફાર નથી, પરંતુ જમીન વ્યવસ્થાપનને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય છે. ખેડૂતો, જમીનધારકો, રોકાણકારો અને વિકાસકાર્યોને તેનો સીધો લાભ મળશે, જેના કારણે રાજ્યના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે.











