પછાત વર્ગના વિદ્યાર્થીઓને મળશે આધુનિક શૈક્ષણિક સુવિધાઓ: રાજ્યમાં રૂ.21 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ

ગાંધીનગર: રાજ્યમાં શિક્ષણ અને સામાજિક કલ્યાણના ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારે રૂ.21 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોને જનસમર્પિત કર્યા છે. ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-1 ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના હસ્તે ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

આ પ્રસંગે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા રૂ.5.99 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સરકારી કુમાર છાત્રાલય તેમજ આણંદ જિલ્લાના ખંભાત ખાતે રૂ.7.15 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના સરકારી કુમાર છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું.

તે ઉપરાંત ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતે રૂ.4.50 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા માનસિક બીમારીમાંથી સ્વસ્થ થયેલી મહિલાઓ માટેના આધુનિક પુનર્વસન ગૃહનું પણ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે જ બોટાદ જિલ્લામાં રૂ.3.95 કરોડના ખર્ચે નિર્માણ પામનારા નવા સરકારી કુમાર છાત્રાલયના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે રાજ્ય સરકારનો હેતુ માત્ર ઇમારતો ઊભી કરવાનો નથી, પરંતુ પછાત વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ માટે શ્રેષ્ઠ માહોલ પૂરો પાડવાનો છે. આધુનિક સુવિધાઓથી સજ્જ છાત્રાલયો વિદ્યાર્થીઓના ભવિષ્યને નવી દિશા આપશે.

તેમણે વધુમાં જણાવ્યું કે ડભોડાનું પુનર્વસન કેન્દ્ર માનસિક બીમારીમાંથી સાજા થયેલી મહિલાઓને સ્વાભિમાન સાથે સમાજના મુખ્ય પ્રવાહમાં પુનઃસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

કાર્યક્રમ દરમિયાન ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની સ્વરોજગાર લોન યોજના હેઠળ બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ જિલ્લાના અરજદારોમાંથી 614 લાભાર્થીઓની કમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો દ્વારા પારદર્શક રીતે પસંદગી કરવામાં આવી હતી.

મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર પારદર્શિતા અને સમાન તકના સિદ્ધાંત સાથે કામ કરી રહી છે. સ્વરોજગાર માટે આપવામાં આવતી આર્થિક સહાયથી અનેક યુવાનો અને જરૂરિયાતમંદ પરિવારો આત્મનિર્ભર બનશે અને રાજ્યના વિકાસમાં સક્રિય ભાગીદાર બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE