ધ્રાંગધ્રા તાલુકા પોલીસે કોંઢ-સરા રોડ પર ગેરકાયદે દારૂની હેરાફેરી સામે સફળ કાર્યવાહી હાથ ધરી દેશી અને વિદેશી દારૂનો જથ્થો, સ્વિફ્ટ કાર અને મોટરસાયકલ સહિત કુલ ₹3,52,520નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે તેનો સાગરીત ફરાર થઈ જતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ હિતુભા ઝાલા, યુવરાજસિંહ, અશોકસિંહ પરમાર અને પોલીસ સ્ટાફને કોંઢ-સરા રોડ વિસ્તારમાં દારૂની હેરાફેરી થતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન GJ-13-CF-1185 નંબરની સ્વિફ્ટ કારમાંથી અંદાજે 100 લીટર દેશી દારૂ તેમજ GJ-13-BD-0589 નંબરની મોટરસાયકલ પરથી વિદેશી દારૂની 18 બોટલો મળી આવી હતી. પોલીસે બંને વાહનો અને દારૂનો જથ્થો કબજે કરી કુલ ₹3.52 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
કાર્યવાહી દરમિયાન હરદીપ સુરેશભાઈ કાંજીયાને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે સુરેશભાઈ હકુભાઈ કાંજીયા પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ તેજ કરી છે.
ધ્રાંગધ્રા તાલુકા પોલીસની આ કાર્યવાહી બાદ ગેરકાયદે દારૂના વેપારમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં દારૂના ગેરકાયદે ધંધા સામે **’ઝીરો ટોલરન્સ’**ની નીતિ હેઠળ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે.
રિપોર્ટ: સોહિલ શેખ, ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર)










