સોમનાથ નજીક 1,800 વર્ષ જૂના વરાહ મંદિરે 10 જુલાઈએ ઉજવાશે વરાહ જયંતિ, આસ્થા અને પ્રાચીન વારસાનો અનોખો મેળો

સોમનાથ: પ્રભાસ પાટણ નજીક સુત્રાપાડા તાલુકાના કદવાર ગામે આવેલા અંદાજે 1,800 વર્ષ પ્રાચીન ભગવાન શ્રી વરાહ મંદિર ખાતે 10 જુલાઈએ જેઠ વદ અગિયારસ નિમિત્તે વરાહ જયંતિ મહોત્સવ અને પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવશે. આ પ્રાચીન મંદિર ધાર્મિક આસ્થા, ભારતીય શિલ્પકલા અને ઐતિહાસિક વારસાનું અનોખું પ્રતિક માનવામાં આવે છે.

મૈત્રક કાળમાં નિર્માણ પામેલું આ મંદિર ભગવાન વિષ્ણુના ત્રીજા અવતાર વરાહ સ્વરૂપને સમર્પિત છે. મંદિરમાં ભગવાન વરાહની દ્વિભુજ પ્રતિમા ઉપરાંત બંને બાજુના પાટમાં વિષ્ણુના નવ અવતારોની અદ્ભુત શિલ્પકૃતિઓ કંડારવામાં આવી છે, જે પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો માનવામાં આવે છે.

દરિયાકિનારે આવેલું આ મંદિર તેની પ્રાચીન કોતરણી, કલાત્મક થાંભલા અને કુદરતી સૌંદર્યને કારણે શ્રદ્ધાળુઓ તેમજ ઇતિહાસપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે.

સ્થાનિક લોકમાન્યતા અનુસાર, ખેડૂતો પોતાના પાકને જંગલી સૂવરના નુકસાનથી બચાવવા માટે ભગવાન વરાહ પાસે માનતા રાખે છે. આ પરંપરાને કારણે દર વર્ષે યોજાતા વરાહ જયંતિના મેળામાં આસપાસના ગામોના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.

મેળા દરમિયાન ભજન-કીર્તન, પરંપરાગત ટપ્પા રમવાની લોકપરંપરા તેમજ ભક્તોને શુદ્ધ ઘીનો શીરો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે, જે આ મેળાની વિશેષ ઓળખ બની ગઈ છે.

જૂનાગઢના ઇતિહાસકાર ડૉ. વિશાલ જોશી અને પ્રો. ડૉ. રમેશ ચૌહાણના જણાવ્યા અનુસાર, આ મંદિર ભાગવત પરંપરાના મૈત્રક કાળનું મહત્વપૂર્ણ સ્મારક છે. મંદિરની શિલ્પકૃતિઓમાં મત્સ્ય, કુર્મ, વામન, નૃસિંહ, પરશુરામ, શ્રીરામ, બુદ્ધ, બલરામ અને કલ્કિ અવતારની સુંદર આકૃતિઓ કંડારવામાં આવી છે, જે તેની ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્તાને વધુ ઉજાગર કરે છે.

ધાર્મિક આસ્થા, પ્રાચીન સ્થાપત્ય અને લોકસંસ્કૃતિનો અનોખો સમન્વય ધરાવતું કદવારનું વરાહ મંદિર આજે પણ સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોમાં સ્થાન ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE