નવી દિલ્હી: મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એક સપ્તાહ સુધી ભારે વરસાદ વરસાવ્યા બાદ હવે મેઘરાજાએ ઉત્તર ભારત તરફ રુખ કરતાં ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ઉત્તરાખંડમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. ઉત્તર પ્રદેશમાં વરસાદ સંબંધિત વિવિધ દુર્ઘટનાઓમાં 14 લોકોનાં મોત થયા છે, જ્યારે દિલ્હીમાં અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે અને ઉત્તરાખંડમાં પૂર તથા ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં ચોમાસું સંપૂર્ણ સક્રિય બન્યું છે. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ, વીજળી પડવી, દિવાલ ધરાશાયી થવી અને પાણીમાં તણાવા જેવી ઘટનાઓમાં 14 લોકોના જીવ ગયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
મેરઠ, મુઝફ્ફરનગર, બિજનોર, સહારનપુર અને કાસગંજ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં 13 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ સતત વરસાદને કારણે અનેક માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો અને સામાન્ય જનજીવનને ભારે અસર પહોંચી હતી.
ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાક દરમિયાન આશરે 8 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદના કારણે અનેક સ્થળોએ ભૂસ્ખલન થતાં 107 માર્ગો બંધ કરવામાં આવ્યા છે, જ્યારે અનેક વિસ્તારોનો સંપર્ક પણ તૂટી ગયો છે.
નૈનીતાલ તળાવનું જળસ્તર વધતાં બોટિંગ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 12 જુલાઈ સુધી શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારે વરસાદના કારણે કૈલાશ-માનસરોવર યાત્રા માર્ગ પર પણ ભૂસ્ખલન થતાં યાત્રા પ્રભાવિત થઈ છે. ઉપરાંત અલકનંદા, ગંગા, પીંડર, કાલી અને ગૌરી સહિતની નદીઓમાં જળસ્તર સતત વધી રહ્યું હોવાથી નદીકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરી રાહત અને બચાવ તંત્રને સજ્જ રાખવામાં આવ્યું છે.










