મુંબઈ: મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવાડના મોશી વિસ્તારમાં આજે એક રહેણાંક ઇમારત અચાનક ધરાશાયી થતાં ભારે અરાજકતા ફેલાઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ 15થી 16 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ બચાવ એજન્સીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મેગા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ઘટનાસ્થળે NDRF, ફાયર બ્રિગેડ, પોલીસ, સ્થાનિક પ્રશાસન અને અન્ય રાહત દળો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભારે મશીનરી અને આધુનિક સાધનોની મદદથી કાટમાળ હટાવી ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે.
મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજન પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે હાલ પણ અંદાજે છથી સાત લોકો ફસાયેલા હોવાની શક્યતા છે. અત્યાર સુધીમાં ચાર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇમારતનું ભોંયતળિયું અને ઉપરનો એક માળ સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગયો હોવાથી બચાવ કામગીરી અત્યંત પડકારજનક બની છે. તેમ છતાં તમામ ટીમો સતત શોધખોળમાં વ્યસ્ત છે અને દરેક સંભવિત સ્થળે જીવિત લોકોની શોધ કરવામાં આવી રહી છે.
પ્રશાસને જણાવ્યું છે કે ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઇમારત ધરાશાયી થવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર વિસ્તારને સુરક્ષાના હેતુથી કોર્ડન કરી દેવામાં આવ્યો છે.










