સુરત: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરતમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક દરમિયાન શહેરમાં ખાડીનું પાણી ફરી ઘૂસતાં સર્જાયેલી જળબંબાકાર સ્થિતિ પર મુખ્યમંત્રીએ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને રૂ. 500 કરોડની ખાડી વિકાસ યોજના હજુ સુધી પૂર્ણ કેમ થઈ નથી? તે અંગે સીધો સવાલ ઉઠાવ્યો હતો.
મુખ્યમંત્રી સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સુરત પહોંચ્યા હતા, જ્યારે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ છેલ્લા બે દિવસથી શહેરમાં રહી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા અને વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી મુખ્યમંત્રીએ વરસાદી સ્થિતિ અને રાહત કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
ચર્ચા દરમિયાન રજૂઆત કરવામાં આવી હતી કે ખાડી વિસ્તાર આસપાસ થયેલા ગેરકાયદે દબાણોને કારણે વરસાદી પાણીનો કુદરતી પ્રવાહ અવરોધાઈ રહ્યો છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. અગાઉ સરકાર દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રૂ. 500 કરોડની યોજના મંજૂર કરવામાં આવી હતી, છતાં તેનું કામ હજુ અધૂરું છે.
મુખ્યમંત્રીએ યોજના ઝડપથી પૂર્ણ કરવા તેમજ ખાડી વિસ્તારના અવરોધો દૂર કરવાની કામગીરીને પ્રાથમિકતા આપવા સ્પષ્ટ સૂચના આપી હતી. ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી પૂર્ણ કરવા, નુકસાનગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રોકડ સહાય અને રેશન કિટ પહોંચાડવા તથા રાહત કામગીરીમાં કોઈ વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા.
બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ તાજેતરમાં નિર્માણ થયેલા અનેક રસ્તાઓ વરસાદમાં ક્ષતિગ્રસ્ત થવાના મુદ્દાને પણ ગંભીરતાથી લીધો હતો. છેલ્લા એક વર્ષમાં બનેલા માર્ગોની ગુણવત્તાની તપાસ કરીને જવાબદારો સામે જરૂરી કાર્યવાહી માટે વિગતવાર અહેવાલ રજૂ કરવા તેમણે સૂચના આપી હતી.
સમિક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત, નવસારી અને વલસાડના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને રાહત અને બચાવ કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત વેપારીઓ અને ઉદ્યોગોને થયેલા નુકસાન અંગે પણ વિશેષ સમીક્ષા કરીને જરૂરી સહાય અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાય તેવી શક્યતા છે.











