રાજકોટ: રાજકોટ પોલીસે કન્સ્ટ્રક્શન સાઇટોને નિશાન બનાવી એલ્યુમિનિયમ પ્લેટોની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરીને એક બાળ આરોપી સહિત કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે રૂ. 18 લાખનો મુદ્દામાલ કબજે કરી સમગ્ર ચોરીકાંડનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલી 134 એલ્યુમિનિયમ પ્લેટ, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી એક રિક્ષા અને એક છોટા હાથી વાહન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ શહેરની વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટો પર નજર રાખી તક મળતા એલ્યુમિનિયમ પ્લેટોની ચોરી કરતા હતા અને બાદમાં તેને વેચી નાણાં કમાતા હતા. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સફળ ટ્રેપ ગોઠવી સમગ્ર ગેંગને ઝડપી પાડી હતી.
આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે ગેંગ અન્ય ચોરીના ગુનાઓમાં પણ સંડોવાયેલી છે કે નહીં તેમજ ચોરીનો મુદ્દામાલ ક્યાં અને કોને વેચવામાં આવતો હતો.











