ફેક સુપ્રીમ કોર્ટ ઓર્ડર બતાવી આજીવન કેદી જેલમાંથી બહાર!

રૂ.12 લાખનો ‘રિલીઝ પ્લાન’, રૂ.6 લાખ ચૂકવ્યાનો આરોપ; 8 વર્ષ બાદ જેલ તંત્રની આંખ ખૂલી

બેંગલુરુ, તા.12 :
કાયદાના રક્ષક ગણાતા જેલ તંત્રને જ ચકમો આપતો ચોંકાવનારો કિસ્સો બેંગલુરુમાં સામે આવ્યો છે. આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીએ સુપ્રીમ કોર્ટનો કથિત બનાવટી આદેશ રજૂ કરી જેલમાંથી મુક્તિ મેળવી લીધી હતી. આશ્ચર્યજનક રીતે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ લગભગ આઠ વર્ષ બાદ થયો છે.

પોલીસના જણાવ્યા મુજબ શંકર એ. અરાધ્યા નામનો કેદી વર્ષ 2001ના ખંડણી માટેના અપહરણ કેસમાં ઝડપાયો હતો. ફાસ્ટ ટ્રેક કોર્ટ-I દ્વારા 12 જુલાઈ, 2004ના રોજ તેને આજીવન કેદ તથા રૂ.10 હજારના દંડની સજા ફટકારવામાં આવી હતી. હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અપીલ બાદ પણ તેની સજા યથાવત રહી હતી.

પત્નીની મુલાકાત બાદ ‘રિલીઝ પ્લાન’?

તપાસમાં સામે આવ્યું છે કે કેદીને અગાઉ પેરોલ મળ્યો હતો. આ દરમિયાન તેની પત્નીની મુલાકાત જેલ કર્મચારી શ્રીકાંત એસ. સાથે થઈ હતી. શ્રીકાંત તે સમયે બેંગલુરુ સેન્ટ્રલ જેલના કન્વિક્ટ વિભાગમાં સેકન્ડ ડિવિઝન આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો. આ વિભાગમાં કેદીઓની સજા, રિલીઝ અને પેરોલ સંબંધિત દસ્તાવેજોનો રેકોર્ડ રાખવામાં આવે છે.

પોલીસનો આરોપ છે કે કેદીને જેલમાંથી બહાર કાઢવા માટે શ્રીકાંતે રૂ.12 લાખની માંગણી કરી હતી. પરિવારજનોએ રૂ.6 લાખ આપ્યા બાદ કથિત રીતે સુપ્રીમ કોર્ટના આદેશની બનાવટી નકલ તૈયાર કરવામાં આવી હતી.

13 નવેમ્બર 2018એ જેલમાંથી ‘મુક્તિ’

કથિત ફેક ઓર્ડરમાં સુપ્રીમ કોર્ટે અરાધ્યાને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ દસ્તાવેજોના આધારે 13 નવેમ્બર 2018ના રોજ તેને બેંગલુરુ સેન્ટ્રલ જેલમાંથી બહાર કાઢી દેવામાં આવ્યો હતો.

પરંતુ આ આદેશ ખરેખર સુપ્રીમ કોર્ટે આપ્યો હતો કે નહીં તેની યોગ્ય ચકાસણી કેમ ન થઈ? બનાવટી દસ્તાવેજ જેલ તંત્ર સુધી કેવી રીતે પહોંચ્યો? અને તેની ખરાઈ કર્યા વિના આજીવન કેદીને મુક્ત કોણે કર્યો?—આવા અનેક ગંભીર સવાલો હવે તપાસના કેન્દ્રમાં છે.

આઠ વર્ષ બાદ ભાંડો ફૂટ્યો

આ સમગ્ર મામલો 2026માં ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે બેંગલુરુ સેન્ટ્રલ જેલના ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટે ફરિયાદ નોંધાવી. તપાસ દરમિયાન સુપ્રીમ કોર્ટના સંબંધિત અધિકારીઓ પાસેથી દસ્તાવેજની ચકાસણી કરાતા રિલીઝ ઓર્ડર કથિત રીતે બનાવટી હોવાનું બહાર આવ્યું.

ત્યારબાદ પરપ્પના અગ્રહારા પોલીસે જાલસાજી, છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોના ઉપયોગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. તપાસ આગળ વધતાં કેદી શંકર એ. અરાધ્યા તથા જેલ કર્મચારી શ્રીકાંત એસ.ની ધરપકડ કરવામાં આવી છે.

આ બનાવે જેલ તંત્રમાં કેદીઓની મુક્તિ માટે રજૂ થતા કોર્ટના આદેશોની ચકાસણી વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.
[10:08 am, 12/9/2026] Bharat News: સુરેન્દ્રનગર એસ.ઓ.જી.ની મોટી સફળતા: વઢવાણમાં ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

કોન્સ્ટેબલ વિશાલ જોષીને મળેલી બાતમીના આધારે રાજકોટથી ઝડપી પાડ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE