મોડું આવ્યું, હવે પૂરપાટ દોડ્યું ચોમાસું; સમગ્ર દેશમાં પ્રસરી ગયું, ગુજરાતમાં પણ જોરદાર વરસાદની આગાહી

નવી દિલ્હી: શરૂઆતમાં ધીમી ગતિએ આગળ વધેલું નૈઋત્ય ચોમાસું હવે પૂરપાટ ઝડપે સક્રિય બન્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં ચોમાસાએ ઝડપી પ્રગતિ કરીને દિલ્હી, રાજસ્થાન સહિત દેશના તમામ રાજ્યોમાં પોતાની હાજરી નોંધાવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 48 કલાકમાં ગુજરાતના બાકીના વિસ્તારોમાં પણ ચોમાસું સંપૂર્ણ રીતે છવાઈ જશે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ના બુલેટિન અનુસાર ચોમાસું હવે સમગ્ર દેશમાં સક્રિય છે. દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ગુજરાતના વધુ વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમ મજબૂત બની છે. આ વર્ષે ચોમાસાના આગમનમાં મોટાભાગના રાજ્યોમાં વિલંબ નોંધાયો હતો. સામાન્ય રીતે દિલ્હીમાં 27 જૂન અને રાજસ્થાનમાં 20 જૂને ચોમાસું પહોંચે છે, પરંતુ આ વખતે અનુક્રમે પાંચ અને 12 દિવસ મોડું પહોંચ્યું છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસમાં ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, સમગ્ર ગુજરાત, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના બાકીના વિસ્તારોમાં વધુ આગળ વધશે. ગુજરાતમાં 6 જુલાઈ સુધી વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ચોમાસાના આગમનથી દેશના અનેક વિસ્તારોમાં ગરમી અને બફારાથી રાહત મળી છે, પરંતુ પર્વતીય રાજ્યોમાં વરસાદે મુશ્કેલી ઊભી કરી છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને નદી-નાળાઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ચારધામ યાત્રાળુઓને વિશેષ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા NDRF સહિતની બચાવ એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે.

દિલ્હી-એનસીઆરમાં પણ ચોમાસાના આગમન બાદ વરસાદી માહોલ જામ્યો છે અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. નરેશ યાદવે જણાવ્યું કે એક સાથે અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કોંકણ, ગોવા અને દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશના લખનઉ, વારાણસી, ગોરખપુર અને પ્રયાગરાજ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, જ્યારે બિહારના મોટાભાગના જિલ્લાઓમાં પણ સારો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાકમાં ઉત્તર ભારતના બાકીના વિસ્તારોમાં પણ ચોમાસું વધુ મજબૂત બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE