181 અભયમ મહિલા હેલ્પલાઇનની સમયસર કામગીરીથી પતિ-પત્ની વચ્ચે સમાધાન

લુણાવાડા તાલુકામાં માનસિક તણાવગ્રસ્ત મહિલાને મદદ મળી, કાઉન્સેલિંગ બાદ સુરક્ષિત રીતે ઘરે પરત મોકલાઈ

લુણાવાડા: મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ત્વરિત કામગીરીથી એક મહિલાને સમયસર મદદ મળી હતી. ટીમે કાઉન્સેલિંગ અને સમજાવટ દ્વારા પતિ-પત્ની વચ્ચેનું મનદુઃખ દૂર કરીને બંને વચ્ચે સમાધાન કરાવવામાં સફળતા મેળવી હતી.

મળતી માહિતી મુજબ, લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને એક મહિલાને મદદની જરૂર હોવાનું જાણાવ્યું હતું. માહિતી મળતા જ અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાને શાંતિપૂર્વક વિશ્વાસમાં લઈ સમગ્ર હકીકત જાણી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલા માનસિક સારવાર હેઠળ છે અને દવા લેવા માટે લુણાવાડા આવી હતી. મહિલાએ ટીમને જણાવ્યું હતું કે ઘરે પરત જતાં પતિ મારપીટ કરે છે, જમવાનું આપતો નથી અને ઘરમાંથી કાઢી મૂકે છે. ટીમે મહિલાની વિગતો મેળવી ગામના સરપંચ સાથે ટેલિફોનિક સંપર્ક કરીને ઘટનાની પ્રાથમિક પુષ્ટિ કરી હતી.

શરૂઆતમાં મહિલા ઘરે જવા તૈયાર નહોતી, પરંતુ અભયમ ટીમે તેની સુરક્ષાની ખાતરી આપી અને પતિ સાથે વાતચીત કરીને સમસ્યાનું નિરાકરણ લાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. ત્યારબાદ ટીમ સંતરામપુર ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મહિલાના ગામે પહોંચી પતિ સાથે ચર્ચા કરી, બંને પક્ષની રજૂઆત સાંભળી જરૂરી કાઉન્સેલિંગ અને સમજાવટ કરી હતી.

સમજાવટ બાદ પતિ-પત્ની વચ્ચે સમાધાન થતાં મહિલા સુરક્ષિત રીતે પતિ સાથે ઘરે જવા સંમત થઈ હતી. સમગ્ર ઘટનાના અંતે બંનેએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમનો આભાર વ્યક્ત કર્યો અને સમયસર મળેલી મદદની પ્રશંસા કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE