વડોદરા: એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના દ્વારા ‘ઇન્ડસ્ટ્રી આઉટરીચ–2026’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંરક્ષણ ક્ષેત્રની સરકારી અને ખાનગી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, MSME એકમો તેમજ અગ્રણી સંશોધન સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ડ્રોન ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સ્વદેશી સંરક્ષણ પ્રણાલીઓ અને અન્ય અદ્યતન ટેક્નોલોજી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ભવિષ્યમાં સંરક્ષણ ક્ષેત્રને વધુ આધુનિક અને આત્મનિર્ભર બનાવવા માટે નવીન ટેક્નોલોજીના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
ભારતીય વાયુસેનાએ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગોને ભવિષ્યની ઓપરેશનલ જરૂરિયાતોની માહિતી આપી હતી અને સંરક્ષણ ક્ષેત્રમાં સંયુક્ત સંશોધન, ટેક્નોલોજી વિકાસ તેમજ નવીનતા આધારિત પ્રોજેક્ટ્સમાં વધુ સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી.
વક્તાઓએ જણાવ્યું હતું કે સરકાર, ઉદ્યોગો અને સંશોધન સંસ્થાઓ વચ્ચે મજબૂત સમન્વયથી દેશના સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશી ઉત્પાદનને નવી ગતિ મળશે. ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમજ ભારતીય સંરક્ષણ ક્ષમતાને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવશે.











