નવી દિલ્હી: ઈરાન સંકટ દરમિયાન ઊભી થયેલી ઈંધણ પુરવઠાની અનિશ્ચિતતા બાદ હવે દેશમાં સ્થિતિ સામાન્ય બનતાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લાગુ કરાયેલા નિયંત્રણો હટાવવાનો નિર્ણય લીધો છે. સાથે જ ભવિષ્યમાં આવી કોઈપણ કટોકટીનો સામનો કરી શકાય તે માટે વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર (બફર સ્ટોક) વધારવાની દિશામાં પણ મહત્વપૂર્ણ આયોજન હાથ ધરાયું છે.
ઈંધણની અછત દરમિયાન વ્યાપારી ગ્રાહકો માટે જથ્થાબંધ ડીઝલ ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેમજ સામાન્ય ગ્રાહકો માટે પ્રતિ વાહન રોજના 200 લીટર ડીઝલની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. હવે પુરવઠાની સ્થિતિ સુધરતાં આ મર્યાદા હટાવી દેવામાં આવી છે. જોકે, ઔદ્યોગિક અને રિટેલ ડીઝલના ભાવ વચ્ચેનો તફાવત હાલ યથાવત રહેશે.
સરકારે દેશની ઊર્જા સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે પેટ્રોલિયમ પેદાશોનો અંદાજે 40 દિવસનો વ્યૂહાત્મક બફર સ્ટોક તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ ઓડિશાના ચાંદીકોલ, મધ્યપ્રદેશના બીના, રાજસ્થાનના બીકાનેર તેમજ કર્ણાટકના મેંગલુરુ અને પાડુરમાં નવા અથવા વિસ્તૃત સંગ્રહ કેન્દ્રો વિકસાવવામાં આવશે. ઓડિશામાં રિઝર્વ સુવિધાના નિર્માણ માટેના કોન્ટ્રાક્ટ પણ ફાળવી દેવામાં આવ્યા છે.
હાલમાં ભારત પાસે મેંગલુરુ, પાડુર અને વિશાખાપટ્ટનમ ખાતે વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર ઉપલબ્ધ છે, જેનું સંચાલન ઈન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ લિમિટેડ (ISPRL) દ્વારા કરવામાં આવે છે. આ ભંડારોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક સ્થળોએ વિકસાવવામાં આવ્યા છે.
પેટ્રોલિયમ મંત્રાલયે હવે દેશના ક્રૂડ ઓઈલના વ્યૂહાત્મક જથ્થામાં પણ નોંધપાત્ર વધારો કરવાની યોજના તૈયાર કરી છે. હાલ અંદાજે 9.5 દિવસના ક્રૂડ ઓઈલના જથ્થાને વધારી 90 દિવસ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે આ પહેલથી ભવિષ્યમાં વૈશ્વિક સંકટ કે સપ્લાય ચેઇનમાં વિક્ષેપ સર્જાય તો પણ દેશની ઊર્જા જરૂરિયાતો પર તેની અસર ઓછી પડશે.











