અમદાવાદ: નૈઋત્ય ચોમાસાના આગમન બાદ પણ ગુજરાતમાં અત્યાર સુધી વ્યાપક વરસાદ નોંધાયો નથી. જોકે હવે રાજ્યમાં વરસાદી ગતિવિધિ તેજ બનવાના સંકેતો મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની આગાહી કરી છે.
હવામાન વિભાગના તાજેતરના બુલેટિન મુજબ, 29 જૂનથી પશ્ચિમ ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં ચોમાસું વધુ સક્રિય બનશે. કોંકણ-ગોવામાં 29 જૂનથી 5 જુલાઈ દરમિયાન વ્યાપક વરસાદની સંભાવના છે, જ્યારે ગુજરાત રીજન અને મધ્ય મહારાષ્ટ્રમાં 3થી 5 જુલાઈ દરમિયાન વરસાદી પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
ગુજરાત રીજનમાં 29 જૂનથી 2 જુલાઈ દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છ અને મરાઠવાડામાં 29 જૂનથી 5 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
29 જૂનથી 3 જુલાઈ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના વિસ્તારોમાં ગાજવીજ, વીજળીના કડાકા અને 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત રીજનમાં 3થી 5 જુલાઈ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આ સમયગાળા દરમિયાન સ્થાનિક સ્તરે ભારે વરસાદની શક્યતા નકારી શકાય નહીં.
વરસાદી ગતિવિધિ વધવાની સાથે રાજ્યમાં તાપમાનમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. એક જુલાઈ બાદ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં તબક્કાવાર 3થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળશે અને ચોમાસું વધુ સક્રિય બનશે.











