જયપુર: રાજસ્થાનના જયપુર જિલ્લાના ચંદવાજી વિસ્તારમાં નિર્માણાધીન સાઇટ પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. અરાવલી પેલેસ ખાતે નિર્માણાધીન દિવાલ અચાનક ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઈ જવાથી 6 શ્રમિકોના કરૂણ મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. હજુ પણ કેટલાક શ્રમિકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા વચ્ચે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અરાવલી પેલેસમાં નિર્માણ કાર્ય દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી. ઘટનાના સમયે નજીકમાં કામ કરી રહેલા મજૂરો તેની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ, SDRF અને સ્થાનિક પ્રશાસનની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દુર્ઘટનાનો ભોગ બનેલા શ્રમિકો ઝારખંડ અને બિહારના રહેવાસી હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, અકસ્માત સમયે સ્થળ પર મર્યાદિત સંખ્યામાં મજૂરો હાજર હોવાથી વધુ મોટી જાનહાનિ ટળી છે.
ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, કાટમાળ હટાવવાની કામગીરી સતત ચાલી રહી છે અને વધુ લોકો ફસાયેલા હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.
પ્રશાસને સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. નિર્માણાધીન દિવાલ કેવી રીતે ધરાશાયી થઈ અને તેમાં કોઈ બેદરકારી હતી કે નહીં તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.











