વડોદરા: શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં મકાનમાં ચાલી રહેલા કસિનો સ્ટાઈલના જુગારધામ પર કપુરાઈ પોલીસે દરોડો પાડી મોટા પાયે કાર્યવાહી કરી છે. પોલીસે મકાન માલિક અશોક ગાંધી સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી રૂ.2.52 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં ખુલાસો થયો કે જુગાર રમવા આવતા લોકોને રોકડના બદલામાં પ્લાસ્ટિકના કોઈન આપવામાં આવતા હતા. ત્યારબાદ આ કોઈનના આધારે પત્તા-પાનાનો જુગાર રમાડવામાં આવતો હતો, જે કસિનોની પદ્ધતિને અનુસરતો હતો.
દરોડા દરમિયાન રોકડ રકમ, પ્લાસ્ટિકના કોઈન, પત્તા તેમજ જુગાર માટે ઉપયોગમાં લેવાતી અન્ય સામગ્રી પોલીસે કબજે કરી હતી. સમગ્ર જુગારધામ વ્યવસ્થિત આયોજન સાથે ચલાવવામાં આવતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ જુગારધામ સાથે અન્ય કોઈ વ્યક્તિઓ અથવા ગેરકાયદે નેટવર્ક સંકળાયેલા છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલુ છે.











