નવી દિલ્હી: કેન્દ્ર સરકારના આગામી રાજકીય એજન્ડાને લઈને દિલ્હીમાં ચર્ચાઓ ગરમાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથેની મુલાકાત બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાત કરતાં રાજકીય વર્તુળોમાં નવી અટકળોએ જોર પકડ્યું છે.
સામાન્ય રીતે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચેની મુલાકાતો મહત્વપૂર્ણ શાસકીય મુદ્દાઓને લઈને યોજાતી હોય છે. જોકે, ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતને લઈને વિવિધ રાજકીય સંકેતો અંગે ચર્ચા ચાલી રહી છે. જો કે, મુલાકાતનો સત્તાવાર એજન્ડો જાહેર કરવામાં આવ્યો નથી.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આગામી દિવસોમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર, કેટલાક રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક અથવા બદલીઓ તેમજ અન્ય મહત્વપૂર્ણ વહીવટી નિર્ણયો અંગે સરકાર વિચારણા કરી રહી હોઈ શકે છે.
આ ઉપરાંત આગામી સંસદના ચોમાસુ સત્રમાં કેન્દ્ર સરકાર અનેક મહત્વપૂર્ણ વિધેયકો અને નીતિગત નિર્ણયો રજૂ કરવાની તૈયારીમાં હોવાનું પણ માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 જૂને દિલ્હી પરત ફર્યા બાદ રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જોકે, કેન્દ્ર સરકાર અથવા રાષ્ટ્રપતિ ભવન તરફથી મંત્રીમંડળમાં ફેરફાર કે અન્ય નિર્ણયો અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેથી હાલ ચાલી રહેલી તમામ ચર્ચાઓ રાજકીય અટકળો પર આધારિત છે.











