મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટો રાજકીય ફેરફાર સામે આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (UBT)ને મોટો ફટકો આપતાં પાર્ટીના છ સાંસદોએ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનામાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
મળતી માહિતી મુજબ, સંજય દિના પાટીલ, સંજય દેશમુખ, સંજય જાધવ, ભાઉસાહેબ વાકચૌરે, પાટીલ-અષ્ટિકર અને ઓમપ્રકાશ રાજેનિંબાકરે સત્તાવાર રીતે શિંદે જૂથનો હાથ પકડ્યો છે. આ પગલાને મહારાષ્ટ્રની રાજનીતિમાં મહત્વપૂર્ણ વિકાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ સાંસદોએ 17 જૂને દિલ્હીમાં યોજાયેલી શિવસેના (UBT)ના સંસદીય પક્ષની બેઠકમાં ભાગ લીધો નહોતો. તે સમયે જ તેમના આગામી રાજકીય નિર્ણય અંગે અટકળો શરૂ થઈ ગઈ હતી. હવે તેમના શિંદે જૂથમાં જોડાવાથી તે અટકળો સાચી સાબિત થઈ છે.
ઉપમુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદે તમામ સાંસદોનું સ્વાગત કરતાં જણાવ્યું કે પાર્ટી સતત મજબૂત બની રહી છે અને વિકાસના એજન્ડા સાથે આગળ વધી રહી છે. તેમણે નવા જોડાયેલા સાંસદોને સંગઠન માટે મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.
બીજી તરફ, આ ઘટનાને ઉદ્ધવ ઠાકરે માટે વધુ એક રાજકીય પડકાર તરીકે જોવામાં આવી રહી છે. વર્ષ 2022માં થયેલા મોટા પક્ષવિભાગ બાદ હવે ફરીથી સાંસદોના સ્થળાંતરે શિવસેના (UBT)ની રાજકીય સ્થિતિ અંગે ચર્ચાઓ તેજ બની છે.
આ રાજકીય ફેરફારની અસર મહારાષ્ટ્રના આગામી સ્થાનિક અને વિધાનસભા સ્તરના રાજકારણ પર પણ પડી શકે છે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે લોકસભા બાદ રાજ્યની રાજનીતિમાં પણ તેની અસર જોવા મળી શકે છે.
હાલ બંને પક્ષો તરફથી આગામી દિવસોમાં વધુ નેતાઓના સ્થાનાંતરણ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ આ ઘટનાએ મહારાષ્ટ્રના રાજકીય માહોલને ફરી ગરમાવી દીધો છે.











