અમદાવાદ: રાજ્યમાં વરસાદ અંગે કરવામાં આવતી પરંપરાગત અને અવૈજ્ઞાનિક આગાહીઓ સામે ભારત જન વિજ્ઞાન જાથાએ વિરોધનો સૂર ઉઠાવ્યો છે. અમદાવાદ ખાતે જાથાની રાજ્ય કચેરીએ વરસાદના વરતારાઓની પ્રતિકાત્મક હોળી કરીને વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ વરતારા કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી.
જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં વૈજ્ઞાનિક સાધનો અને ટેક્નોલોજી ઉપલબ્ધ ન હોવાથી વરસાદના વરતારાઓને મહત્વ હતું, પરંતુ આજના આધુનિક યુગમાં સેટેલાઇટ, હવામાન કેન્દ્રો અને અદ્યતન વૈજ્ઞાનિક ઉપકરણોની ઉપલબ્ધતા વચ્ચે આવા વરતારાઓ અપ્રસ્તુત બની ગયા છે.
તેમણે જણાવ્યું કે હોળીની જાળ, અષાઢી પવન, ટીટોડીના ઈંડા, જ્યોતિષીય નક્ષત્રો તેમજ પ્રાણી-વનસ્પતિના આધારે કરવામાં આવતી વરસાદની આગાહીઓનો વૈજ્ઞાનિક આધાર નથી. આવા વરતારાઓ લોકોને ભ્રમિત કરે છે અને ખાસ કરીને ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરે છે.
વિજ્ઞાન જાથા દ્વારા રાજકોટ, જામનગર અને અન્ય વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન “વરતારા બંધ કરો, બંધ કરો” જેવા સૂત્રોચ્ચાર સાથે અવૈજ્ઞાનિક આગાહીઓની પ્રતિકાત્મક હોળી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો, ખેડૂતો અને મહિલાઓએ પણ તેમાં ભાગ લીધો હતો.
જયંત પંડયાના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાય વર્ષોથી વરસાદ અંગે વિવિધ આગાહીકારો દ્વારા જુદી જુદી તારીખો અને અનુમાનો જાહેર કરવામાં આવે છે, જેના કારણે લોકોમાં મૂંઝવણ સર્જાય છે. તેમણે દાવો કર્યો કે 47થી વધુ આગાહીકારોની આગાહીઓમાં કોઈ એકસૂત્રતા જોવા મળતી નથી અને મોટાભાગની આગાહીઓ ખોટી સાબિત થાય છે.
જાથાએ આગાહીકારોને પડકાર આપતાં કહ્યું હતું કે જો તેઓ પોતાના વરતારાઓને સાચા માને છે તો લેખિત જવાબદારી અને વૈજ્ઞાનિક કસોટી સાથે પોતાના દાવાઓ રજૂ કરે. હવામાન વિભાગ ખોટું પડે ત્યારે તેના કારણો જાહેર કરે છે, જ્યારે પરંપરાગત વરતારાઓ પાછળ કોઈ વૈજ્ઞાનિક આધાર રજૂ કરવામાં આવતો નથી.
જાથાના પ્રતિનિધિઓએ જણાવ્યું કે તેમનો હેતુ કોઈની લાગણી દુભાવવાનો નથી, પરંતુ સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ અને જાગૃતિ લાવવાનો છે. લોકશાહીમાં દરેકને પોતાના વિચારો રજૂ કરવાનો અધિકાર છે અને એ જ હક્ક હેઠળ આ વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.











