તિરુવલ્લુર: તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાંથી એક અત્યંત ચકચારી અને મોટી વિગત સામે આવી રહી છે. અહીં પેરીયાપાલયમ નજીક આવેલા મંઝાનકરાણાઈ વિસ્તારમાં એક ખાનગી સી-ફૂડ પ્રોસેસિંગ યુનિટ (માછલી તેમજ દરિયાઈ જીવોના સંગ્રહ અને પ્રોસેસિંગની ફેક્ટરી) માં અચાનક ઝેરી એમોનિયા ગેસનું લીકેજ થયું હતું. ફેક્ટરીમાં ગેસ ફેલાઈ જવાને કારણે ત્યાં કામ કરી રહેલા કર્મચારીઓ ગૂંગળાવા લાગ્યા હતા. અને તેમની તબિયત લથડવા માંડી હતી. ફેક્ટરીમાં અફરાતફરી મચી જતાં તાત્કાલિક અસરગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં ગૂંગળામણના કારણે 7 મહિલા કર્મચારીઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.જ્યારે અન્ય 67 કર્મચારીઓની હાલત બગડતાં તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
દુર્ઘટનાની ગંભીરતાને જોતાં તિરુવલ્લુર જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા તાત્કાલિક અરક્કોનમ સ્થિત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 4થી બટાલિયનના મુખ્યાલયને જાણ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્રની કટોકટીની વિનંતી બાદ NDRFના સિનિયર કમાન્ડન્ટ અખિલેશ કુમારના આદેશથી કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર (CBRN) આપત્તિઓનો સામનો કરવામાં નિષ્ણાત એવી ખાસ ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ચેન્નાઈથી NDRFના 30 જવાનોની આ વિશેષ ટીમ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE કીટ), ગેસ ડિટેક્ટર મશીનો અને આધુનિક રેસ્ક્યૂ ગિયર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને વહેલી તકે લીકેજ પર કાબૂ મેળવવા યુદ્ધના ધોરણે રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી.
તિરુવલ્લુરના જિલ્લા કલેક્ટર એસ. કવિતાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ખાનગી સી-ફૂડ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીક થયા બાદ પ્રભાવિત થયેલા 67 કર્મચારીઓને તાત્કાલિક સ્થાનિક મેડિકલ સેન્ટરોમાં ખસેડાયા છે. તે પૈકી 46 દર્દીઓની વેલ્સ હોસ્પિટલમાં અને 21 દર્દીઓની વેંકટેશ્વર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે સૌથી વધુ ગંભીર હાલતમાં રહેલા 9 દર્દીઓને ગ્રીન કોરિડોર મારફતે એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઈની સરકારી સ્ટેનલી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
કલેક્ટર એસ. કવિતાએ પોતે ફેક્ટરીની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી તેમજ હોસ્પિટલ પહોંચીને ભોગ બનનાર દર્દીઓના ખબરઅંતર પૂછ્યા હતા. પ્રાથમિક તપાસમાં ગેસ પાઇપલાઇનનો વાલ્વ ક્ષતિગ્રસ્ત થવાને કારણે આ લીકેજ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ એક્સપોર્ટ યુનિટમાં સુરક્ષાના નિયમોમાં કોઈ ગંભીર ક્ષતિ કે બેદરકારી દાખવવામાં આવી હતી કે નહીં, તેની ચોક્કસ તપાસ કરવા માટે કલેક્ટર દ્વારા ઉચ્ચ સ્તરીય ઔપચારિક તપાસના આદેશો જારી કરી દેવામાં આવ્યા છે.
Post Views: 0











