આજે સમગ્ર વિશ્વ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યું છે. આ ખાસ અવસરે દુનિયાના ખૂણે-ખૂણામાં કરોડો લોકો યોગ કરી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી પણ કોલકાતાના રેડ રોડ પર આયોજિત ભવ્ય યોગ સમારોહમાં સામેલ થયા છે. જ્યાં તેઓ 35 હજાર લોકોની સાથે યોગ કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ પ્રાણાયામથી લઈને મેડિટેશન (ધ્યાન) દ્વારા ‘નિરોગી વિશ્વ’નો સંદેશ આપશે.
પીએમ મોદી દર વર્ષે યોગ દિવસના અવસરે પોતે લોકોની વચ્ચે જઈને યોગ કરે છે. કોલકાતાના આ સમારોહમાં 35 હજારથી વધુ લોકો ભાગ લઈ રહ્યા છે. પીએમ મોદીનું આ યોગ સેશન આશરે 45 મિનિટનું રહેશે. જેની શરૂઆત પ્રાણાયામથી થશે અને અંત મેડિટેશનથી થશે.
બીજી તરફ, યોગ દિવસ નિમિત્તે દ્રાસમાં હિમાલયના બરફાચ્છાદિત શિખરોથી લઈને બંગાળની ખાડીમાં સબમરીનની અંદર સેનાના જવાનોએ યોગ કર્યા હતા. મુંબઈમાં મુસ્લિમ સમુદાયના લોકો પણ યોગ કરતા જોવા મળ્યા હતા. જ્યારે કોલકાતામાં ડ્રોન દ્વારા યોગના આસનોની અદભુત ઝાંખી હવામાં પ્રદર્શિત કરવામાં આવી હતી.
📌 આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વર્ષવાર થીમ (2015-2026)
-
2015: સદ્ભાવના અને શાંતિ માટે યોગ
-
2016: યુવાનોને કનેક્ટ કરો
-
2017: સ્વાસ્થ્ય માટે યોગ
-
2018: શાંતિ માટે યોગ
-
2019: યોગા ફોર હાર્ટ (હૃદય માટે યોગ)
-
2020: ઘરે યોગ, પરિવાર સાથે યોગ
-
2021: કલ્યાણ માટે યોગ
-
2022: માનવતા માટે યોગ
-
2023: વસુધૈવ કુટુંબકમ માટે યોગ
-
2024: સ્વયં અને સમાજ માટે યોગ
-
2025: એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ
-
2026: લાંબી અને સ્વસ્થ જિંદગી માટે યોગ
વિજયવાડામાં બાબા રામદેવનું યોગાસન
12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે યોગ ગુરુ સ્વામી રામદેવ આંધ્રપ્રદેશના વિજયવાડામાં છે. આ પ્રસંગે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ પણ સ્વામી રામદેવ સાથે યોગ કરી રહ્યા છે. યોગને વિશ્વના ઘરે-ઘરે પહોંચાડનારા યોગ ગુરુ રામદેવે આ અવસરે સૌને યોગ દ્વારા સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો.
કોલકાતામાં 10 લાખ લોકો કરી રહ્યા છે યોગ
કોલકાતાના અલગ-અલગ વિસ્તારોમાં યોગ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રીતે આજે સમગ્ર કોલકાતામાં આશરે 10 લાખ લોકો યોગ કરશે. જોકે, આજે સમગ્ર પશ્ચિમ બંગાળમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે બંગાળના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત, કોલકાતામાં આજે 4 જગ્યાઓ પર ‘રન ફોર યોગ’નું પણ આયોજન કરાયું છે.જેમાં 10 હજાર લોકો ભાગ લઈ રહ્યા છે.
Post Views: 0











