બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં લઘુમતી હિન્દુ સમુદાય રસ્તા પર ઉતરી આવ્યો છે અને મોટા પાયે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. ભગવાન શ્રી રામની સૌથી ઊંચી મૂર્તિ બનાવવાનો વિરોધ કરી રહેલા કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ દ્વારા પ્રભુ શ્રી રામની તસવીરનું કથિત અપમાન કરવામાં આવ્યા બાદ હિન્દુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં હિન્દુઓએ ઢાકામાં મશાલ સરઘસ કાઢ્યું હતું અને ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ ભગવાન રામનું અપમાન કરનારા કટ્ટરપંથીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે.
શા માટે શરૂ થયો વિવાદ?
આ વિરોધ પ્રદર્શન ઉત્તરી ગેબાંધા જિલ્લાના પલાશબાડીમાં ભગવાન રામની ૮૧ ફૂટ ઊંચી મૂર્તિના નિર્માણ પર રોક લગાવ્યાના થોડા દિવસો બાદ શરૂ થયું છે. આ પ્રોજેક્ટ પાછળ કામ કરી રહેલી ‘શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર કમિટી’એ દાવો કર્યો છે કે, સ્થાનિક પ્રશાસનને ઇસ્લામિક સંગઠનો તરફથી ધમકીઓ મળી હતી. આ ઘટનાએ મુસ્લિમ બહુલ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓના અધિકારો અને સુરક્ષાને લઈને ચિંતા ફરી વહેતી કરી છે.
રવિવારે મંત્રાલયને આવેદનપત્ર સોંપશે, ૭૨ કલાકનું અલ્ટીમેટમ
પ્રદર્શન કરી રહેલા હિન્દુ સંગઠનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે:
તાજેતરમાં એક હિંસક ટોળાએ ભગવાન રામની મૂર્તિ પર જૂતા મૂકીને તેને અપવિત્ર કરી હતી, જે હિન્દુ ધર્મનું ઘોર અપમાન છે.
હિન્દુઓએ પ્રશાસનને ૭૨ કલાકનું અલ્ટીમેટમ આપતા કહ્યું છે કે જો આ અપમાન કરનારા દોષિતોની સમયસર ધરપકડ નહીં કરવામાં આવે, તો તેઓ રવિવારે ધાર્મિક બાબતોના મંત્રાલયને આવેદનપત્ર સોંપશે. આ ઉપરાંત, તેઓએ વડાપ્રધાન સાથે મુલાકાત, વિવિધ રેલીઓ અને વિરોધ પ્રદર્શનો સહિતના આગળના કાર્યક્રમોની પણ જાહેરાત કરી છે.
‘જય શ્રી રામ’ના નારા સાથે ગુંજી ઉઠ્યું ઢાકા
-
ક્યાં એકઠા થયા લોકો? શુક્રવારે સાંજે ૫ વાગ્યાથી જ રાજધાની ઢાકાના શાહબાગ ચોક પર હિન્દુ સમુદાયના વિવિધ સંગઠનો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એકઠા થવા લાગ્યા હતા.
-
સરઘસનો રૂટ: આ વિશાળ મશાલ સરઘસ શાહબાગ સ્ક્વેરથી શરૂ થઈને મોટેશ્વર ભવન થઈને નેશનલ પ્રેસ ક્લબ સુધી ગયું હતું. આ દરમિયાન લોકોએ ‘જય શ્રી રામ’ અને હિન્દુ એકતાના જોરદાર નારા લગાવ્યા હતા.
-
માનવ સાંકળ અને પ્રેસ કોન્ફરન્સ: શુક્રવારે સવારે પણ ઢાકામાં બે અલગ-અલગ કાર્યક્રમો થયા હતા. ‘હિન્દુ મહાજોત’ નામના સંગઠનના બે જૂથો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં નેશનલ પ્રેસ ક્લબ સામે ‘હ્યુમન ચેઈન’ (માનવ સાંકળ) બનાવવામાં આવી હતી અને ઢાકા રિપોર્ટર્સ યુનિટીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Post Views: 0











