લિયોનેલ મેસીનો ઐતિહાસિક મહારેકોર્ડ: 6 અલગ-અલગ ફિફા વર્લ્ડ કપ રમનારો દુનિયાનો સૌપ્રથમ ફૂટબોલર બન્યો, 200મી ઇન્ટરનેશનલ મેચમાં રચ્યો ઇતિહાસ

ફૂટબોલની દુનિયામાં લિયોનેલ મેસીનું નામ પહેલેથી જ મહાન ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે, પરંતુ હવે આર્જેન્ટિનાના આ દિગ્ગજે એક એવો અદ્ભુત કારનામો કરી બતાવ્યો છે જે આજ સુધી વિશ્વનો કોઈ પણ ખેલાડી કરી શક્યો નથી. ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬માં અલ્જીરિયા સામે મેદાન પર ઉતરતાની સાથે જ મેસીએ ઇતિહાસના પાના પર ફરી એકવાર પોતાનું નામ સુવર્ણ અક્ષરોએ અંકિત કરી દીધું છે.

કન્સાસ સિટી સ્ટેડિયમમાં અલ્જીરિયા સામેની મેચમાં મેસી જેવો આર્જેન્ટિનાની સ્ટાર્ટિંગ ઇલેવનનો ભાગ બનીને મેદાનમાં પ્રવેશ્યો, તેની સાથે જ તે ૬ અલગ-અલગ ફિફા વર્લ્ડ કપ રમનારો દુનિયાનો સૌથી પહેલો ફૂટબોલર બની ગયો છે. આ ઐતિહાસિક ક્ષણની સાથે જ તેણે આર્જેન્ટિના તરફથી પોતાની ૨૦૦મી ઇન્ટરનેશનલ મેચ પણ રમી, જે પોતાનામાં જ એક બહુ મોટી સિદ્ધિ છે.

મેસીએ દિગ્ગજોને છોડ્યા પાછળ

અત્યાર સુધી જર્મનીના લોથાર મેથાઉસ, મેક્સિકોના રાફેલ માર્કેઝ અને આન્દ્રેસ ગાર્ડાડો, મેક્સિકોના જ એન્ટોનિયો કાર્બાઝાલ અને જર્મનીના મેન્યુઅલ નોયર જેવા દિગ્ગજ ખેલાડીઓ પાંચ-પાંચ વર્લ્ડ કપ રમવાનો રેકોર્ડ ધરાવતા હતા. જોકે, મેસીએ આ તમામ મહાન ખેલાડીઓને પાછળ છોડીને એકલા હાથે આ ઐતિહાસિક મુકામ પર કબજો જમાવી લીધો છે. રસપ્રદ વાત એ છે કે, પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ આ વર્લ્ડ કપમાં પોતાની છઠ્ઠી ટૂર્નામેન્ટ રમીને મેસીની બરાબરી કરી શકે છે, પરંતુ હાલ પૂરતો આ વર્લ્ડ રેકોર્ડ માત્ર આર્જેન્ટિનાના કેપ્ટનના નામે જ નોંધાયેલો રહેશે.

૨૦૨૨માં આર્જેન્ટિનાને બનાવ્યું હતું વર્લ્ડ ચેમ્પિયન

લિયોનેલ મેસીની ફિફા વર્લ્ડ કપની સફર અત્યંત શાનદાર રહી છે. તેણે ૨૦૨૨ના કતાર વર્લ્ડ કપમાં શાનદાર સાત ગોલ ફટકાર્યા હતા અને ફાઇનલમાં ફ્રાન્સ સામે બે ગોલ કરીને આર્જેન્ટિનાને યાદગાર જીત અપાવી હતી. પેનલ્ટી શૂટઆઉટમાં પણ તેણે પોતાની ટીમ માટે પ્રથમ સફળ શોટ લગાવ્યો હતો. એ જ ઐતિહાસિક જીત સાથે આર્જેન્ટિનાએ ૧૯૮૬ પછી પહેલીવાર વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી હતી.

આર્જેન્ટિના તરફથી રમતા મેસીના ઇન્ટરનેશનલ કરિયર પર નજર કરીએ તો, તેણે અત્યાર સુધી ૨૦૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧૧૮ ગોલ કર્યા છે અને ૬૪ ગોલમાં આસિસ્ટ (ગોલ કરવામાં મદદ) ની ભૂમિકા ભજવી છે. વર્લ્ડ કપના મંચ પર પણ મેસીનો રેકોર્ડ બેમિસાલ છે.જ્યાં તેણે ૨૭ મેચોમાં ૧૪ ગોલ કર્યા છે અને ૮ આસિસ્ટ પોતાના નામે કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE