“આખું વિશ્વ એક પરિવાર”: G7 આઉટરીચ સેશનમાં વડાપ્રધાન મોદીએ આપ્યો આંતરરાષ્ટ્રીય એકતાનો સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G7 શિખર સંમેલનના આઉટરીચ સેશનમાં વૈશ્વિક ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય એકતા પર પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું કે, આજની દુનિયામાં સૌથી મોટી અછત સંસાધનોની નથી. પરંતુ ભરોસાની છે. તેમણે ઉમેર્યું કે, ભવિષ્યની વૈશ્વિક ભાગીદારીઓની સફળતા એ વાત પર નિર્ભર કરશે કે દેશો પરસ્પર વિશ્વાસને કેટલો મજબૂત બનાવી શકે છે. પીએમ મોદીએ G7 શિખર સંમેલન દરમિયાન નવી ભાગીદારીઓનું નિર્માણ અને આંતરરાષ્ટ્રીય એકતાનું પુનઃનિર્માણવિષય પર આયોજિત આઉટરીચ સેશનમાં આ નિવેદન આપ્યું હતું.

‘ભારત માટે આખી દુનિયા એક પરિવાર છે’

પીએમ મોદીએ જણાવ્યું કે આજે દુનિયા પહેલા કરતાં વધુ જોડાયેલી અને એકબીજા પર નિર્ભર છે, તેથી આ વિષય વધુ મહત્વપૂર્ણ બની જાય છે. પરંતુ કોઈપણ ભાગીદારી ત્યારે જ સફળ થઈ શકે જ્યારે તેનો પાયો ભરોસા પર ટકેલો હોય. તેમણે કહ્યું કે ભારત સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે જુએ છે. ભારતનો અનુભવ દર્શાવે છે કે, વિકાસ ત્યારે જ સૌથી વધુ અસરકારક બને છે. જ્યારે તે લોકોની આકાંક્ષાઓ સાથે જોડાયેલો હોય. આ જ વિચારધારા ભારતીય આંતરરાષ્ટ્રીય પહેલો અને ભાગીદારીનો આધાર પણ છે.

‘આજે દુનિયા ભરોસાની અછતથી પીડિત છે’

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA), કોએલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (CDRI), ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ, મિશન લાઇફ (LiFE) અને ‘એક પેડ મા કે નામ’ (એક વૃક્ષ માતાના નામે) જેવા અભિયાનો આ જ વિચારને આગળ ધપાવે છે. તેમણે કહ્યું કે આજના સમયમાં પરસ્પર વિશ્વાસ એ સૌથી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સંપત્તિ છે. કમનસીબે, દુનિયા સંસાધનોની અછતથી નથી. પરંતુ ભરોસાની અછતથી પીડાઈ રહી છે અને ભવિષ્યની ભાગીદારીઓ આ ભરોસાને ફરીથી સ્થાપિત કરવા પર જ નિર્ભર રહેશે.

આફ્રિકામાં ભારતના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત માને છે કે કોઈપણ ભાગીદારીની અસલી કસોટી એ નથી કે આપણે બીજા માટે શું બનાવીએ છીએ, પરંતુ એ છે કે, આપણે બીજાને પોતાના માટે શું બનાવવા સક્ષમ કરીએ છીએ. ભારતની વિકાસ ભાગીદારી પણ આ જ ભાવના પર આધારિત છે. ભારતે ભાગીદાર દેશોમાં ક્ષમતા નિર્માણ (કેપેસિટી બિલ્ડિંગ) અને કૌશલ્ય વિકાસ (સ્કિલ ડેવલપમેન્ટ) પર વિશેષ ધ્યાન આપ્યું છે. તેમણે આફ્રિકામાં ભારતના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે તાલીમ, ક્ષમતા નિર્માણ, જળ સંસાધન, કૃષિ અને ઉર્જા ક્ષેત્રે ભારતની પહેલો આફ્રિકાના દેશોની ક્ષમતા વધારવાની સાથે વૈશ્વિક પડકારોના ઉકેલમાં પણ મદદ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE