વિકાસના દાવા વચ્ચે વાસ્તવિકતા: અમરેલીના વરાહસ્વરૂપ ગામમાં ST બસ જ ન આવતા ગ્રામજનો રામભરોસે

આઝાદીના દાયકાઓ પછી પણ જાફરાબાદનું આ ગામ સરકારી પરિવહન સુવિધાથી વંચિત; વિદ્યાર્થીઓ અને દર્દીઓની હાલત કફોડી

જાફરાબાદ, અમરેલી: એક તરફ ડિજિટલ ઇન્ડિયા અને હાઇટેક પરિવહનની વાતો થઈ રહી છે. ત્યારે બીજી તરફ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનું વરાહસ્વરૂપ ગામ આજે પણ પ્રાથમિક એસ.ટી. બસની સુવિધા માટે તરસવા મજબૂર બન્યું છે. ગામમાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ની એક પણ બસ આવતી ન હોવાથી સ્થાનિક રહીશો, વિદ્યાર્થીઓ અને નોકરિયાતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ ગંભીર જનસમસ્યા અંગે ગામના જાગૃત નાગરિક રાહુલ ભોળાભાઈ શિયાળે મીડિયા સમક્ષ આવીને ન્યાયની ગુહાર લગાવી છે.

ખાનગી વાહનોના ભરોસે મુસાફરી: શિક્ષણ અને આરોગ્ય જોખમમાં

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બસ સેવા ન હોવાને કારણે સૌથી મોટો ફટકો ગામના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓ પર પડી રહ્યો છે. શાળા-કોલેજ જવા માટે દીકરીઓ અને યુવાનોએ દરરોજ ભારે સંઘર્ષ કરવો પડે છે.

  • વિદ્યાર્થીઓ અને મજૂર વર્ગ: યોગ્ય પરિવહનના અભાવે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને રોજગારી મેળવતા મજૂરોને ફરજિયાતપણે મોંઘા ભાડા ખર્ચીને ખાનગી વાહનોમાં જોખમી મુસાફરી કરવી પડે છે. અથવા માઇલો સુધી પગપાળા જવું પડે છે.

  • ઇમરજન્સીમાં મુશ્કેલી: ગામમાં કોઈ બીમાર પડે ત્યારે દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવા માટે ખાનગી વાહનો શોધવામાં નાકે દમ આવી જાય છે. જે ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે.

રજૂઆતો ઘણી કરી, પણ પરિણામ શૂન્ય”

ગામના જાગૃત યુવા અને રહીશ રાહુલ શિયાળે તંત્રની બેદરકારી સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે:

અમારા વરાહસ્વરૂપ ગામમાં એસ.ટી. બસ ન હોવાને કારણે દરરોજ વિદ્યાર્થીઓ, બહેનો-દીકરીઓ અને મજૂર વર્ગને ભારે હાડમારી ભોગવવી પડે છે. આ અંગે અમે તંત્રને અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છીએ. પરંતુ સરકારી બાબુઓના પેટનું પાણી હલતું નથી. શું અમારું ગામ ગુજરાતના નકશામાં નથી?”

તંત્રની ઉદાસીનતા સામે ગ્રામજનોનો આક્રોશ

વરાહસ્વરૂપ ગામના લોકોનો આરોપ છે કે, ચૂંટણી સમયે મોટા-મોટા વાયદા કરનારા નેતાઓ અને વહીવટી તંત્ર ચૂંટણી પૂરી થતાં જ ગામને વિસરી જાય છે. વારંવારની લેખિત રજૂઆતો છતાં એસ.ટી. નિગમના જવાબદાર સત્તાધીશો દ્વારા આ રૂટ શરૂ કરવા માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી.

મોટો સવાલ: હવે મીડિયામાં આ અહેવાલ વહેતો થયા બાદ શું ઊંઘતું એસ.ટી. તંત્ર જાગશે ખરું? શું વરાહસ્વરૂપ ગામના લોકોને પોતાના હકની સરકારી બસ સેવા મળશે, કે પછી ગ્રામજનોએ હજુ પણ આવી જ જોખમી અને આર્થિક રીતે નુકસાનકારક મુસાફરી કરવા મજબૂર રહેવું પડશે? તે જોવાનું રહ્યું.

Leave a Comment

READ MORE

READ MORE