RE-NEET પેપર લીક કૌભાંડ: રૂ. 1.5 કરોડની છેતરપિંડી આચરનારા બે સાયબર ઠગની ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ટેલિગ્રામ પર RE-NEET પરીક્ષાનું પ્રશ્નપત્ર અપાવવાની લાલચ આપીને વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે છેતરપિંડી આચરતી એક આંતરરાજ્ય સાયબર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ મામલે રાજસ્થાનના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ “Raghav_singh_neet” સહિત અંદાજે 8 જેટલી ટેલિગ્રામ ચેનલો બનાવી હતી. આ ચેનલો પર RE-નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (RE-NEET) પરીક્ષાનું પેપર આપવા અને પરીક્ષામાં પાસ કરાવી દેવાના નામે ભ્રામક પોસ્ટ, મેસેજ અને જાહેરાતો પ્રસારિત કરવામાં આવતી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પાસેથી ઓનલાઈન પેમેન્ટ દ્વારા પૈસા પડાવવામાં આવતા હતા.

તપાસ દરમિયાન જયપુરના રહેવાસી સુમેર સિંહ મીણા અને કોટાના રહેવાસી આકાશ મીણાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે બંને આરોપીઓ ટેલિગ્રામ પર “Private Mafia” નામના યુઝર સાથે પણ જોડાયેલા હતા. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીઓ “Trading With Karol” અને “Pankaj Bhardwaj” જેવી ટેલિગ્રામ ચેનલો દ્વારા લોકોને વધુ નફાની લાલચ આપીને રોકાણના નામે પણ છેતરપિંડી કરતા હતા.

કેસની મુખ્ય વિગતો:

  • બેંક ખાતા અને ફરિયાદો: પોલીસને આરોપીઓના 6 બેંક ખાતાઓમાંથી દેશના વિવિધ રાજ્યોની 12 ફરિયાદો જોડાયેલી મળી આવી છે.

  • 1.5 કરોડની લેવડ-દેવડ: પ્રાથમિક તપાસમાં અંદાજે રૂ. 1.5 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની માહિતી મળી છે.

  • મોટો સંપર્ક નેટવર્ક: છેલ્લા એક મહિનામાં આરોપીઓએ અંદાજે 1,000 જેટલા મોબાઈલ નંબરો અને ટેલિગ્રામ ચેનલોનો સંપર્ક કર્યો હોવાનું સામે આવ્યું છે.

  • 44 બોગસ વેબસાઇટ્સ: સાયબર ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ આશરે 44 જેટલી વેબસાઇટ્સ બનાવી હતી, જેનો ઉપયોગ ગેમિંગ, બેટિંગ (સટ્ટો), જુગાર અને સાયબર ફ્રોડ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હતો.

કોઈ પેપર લીક નથી થયું, માત્ર ઠગાઈનો પેંતરો હતો: પોલીસે સ્પષ્ટતા કરી છે કે આરોપીઓ પાસેથી NEET કે અન્ય કોઈ પરીક્ષાનું પ્રશ્નપત્ર અથવા પરીક્ષાને લગતી કોઈ સામગ્રી મળી આવી નથી. તપાસમાં સાબિત થયું છે કે ‘RE-NEET પેપર’ નામના નારાનો ઉપયોગ માત્ર વિદ્યાર્થીઓ અને વાલીઓને છેતરવા માટે જ કરવામાં આવી રહ્યો હતો. હાલ આ મામલે આગળની તપાસ ચાલુ છે અને પોલીસ આ ટોળકી સાથે જોડાયેલા અન્ય સાગરીતોની શોધખોળ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE