ઝાલોદ વિધાનસભા પ્રભારી અનિલભાઈ ગરાસિયા દ્વારા ધાવડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત: સુવિધાઓ અને સ્ટાફની કામગીરીનું કર્યું નિરીક્ષણ

આમ આદમી પાર્ટીના ઝાલોદ વિધાનસભા પ્રભારી અને પ્રદેશ જોઈન સેક્રેટરી અનિલભાઈ ગરાસિયા તથા ઝાલોદ તાલુકા પ્રમુખ મુકેશભાઈ ખડીયા દ્વારા ધાવડિયા ખાતેના નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ખાસ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ગ્રામજનોને આરોગ્યલક્ષી સુવિધાઓ સુપેરે મળી રહી છે કે નહીં, તે જાણવાનો હતો.

આરોગ્ય સુવિધાઓ અને દર્દીઓની સુખાકારી પર વિશેષ ભાર

મુલાકાત દરમિયાન, અનિલભાઈ ગરાસિયા અને મુકેશભાઈ ખડીયાએ હોસ્પિટલની નવીન બિલ્ડિંગમાં ઉપલબ્ધ સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ આરોગ્ય કેન્દ્ર દ્વારા આસપાસના કેટલા વિસ્તારના નાગરિકોને લાભ મળી રહ્યો છે, કેવા પ્રકારના દર્દીઓ અહીં સારવાર મેળવવા આવે છે અને સરકાર દ્વારા મળવાપાત્ર સુવિધાઓ દર્દીઓ સુધી પહોંચે છે કે નહીં, તે અંગેની તમામ વિગતો મેળવી હતી.

સ્ટાફ સાથે સંવાદ અને સમસ્યા નિવારણની ખાતરી

હોસ્પિટલના સ્ટાફ સાથેની ચર્ચા દરમિયાન, પ્રભારી અનિલભાઈ ગરાસિયાએ આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ ઉપલબ્ધ છે કે કેમ, તે અંગે પૂછપરછ કરી હતી. તેમણે હોસ્પિટલના સંચાલન અને દર્દીઓને પડતી મુશ્કેલીઓ વિશે સ્ટાફ પાસેથી માહિતી મેળવી હતી. મુલાકાત દરમિયાન જે પણ ખામીઓ કે અગવડતાઓ ધ્યાને આવી હતી, તે અંગે યોગ્ય રજૂઆત કરવાની અને સરકારમાં આ મુદ્દાઓ ઉઠાવી સમસ્યાઓના નિવારણ માટે પ્રયત્ન કરવાની ખાતરી આપી હતી.

લોકહિતના કાર્યો માટે કટિબદ્ધ

આ પ્રસંગે અનિલભાઈ ગરાસિયાએ જણાવ્યું હતું કે, “આરોગ્ય અને શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. સરકાર દ્વારા બનાવવામાં આવેલ આ આરોગ્ય કેન્દ્રનો લાભ છેવાડાના માનવીને મળે અને કોઈ પણ દર્દી સુવિધાના અભાવે હેરાન ન થાય, તે સુનિશ્ચિત કરવું એ અમારું કર્તવ્ય છે. આગામી સમયમાં પણ આરોગ્યલક્ષી સુવિધાઓ સુદ્રઢ બને તે માટે સતત પ્રયત્નશીલ રહીશું.”

રિપોર્ટર:યાસીર ગુડાલા, દાહોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE