નવી દિલ્હી: ઓમાનના દરિયાકાંઠે અમેરિકી નેવીની કાર્યવાહી દરમિયાન ત્રણ ભારતીય ખલાસીઓના મોતના મામલે ભારત અને અમેરિકા વચ્ચે રાજદ્વારી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ દુર્ઘટના સામે ભારતે અત્યંત આકરો વિરોધ નોંધાવ્યો છે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો સાથે સીધી વાતચીત કરીને ખાડી વિસ્તારમાં અમેરિકી નેવી દ્વારા કરવામાં આવેલા હુમલા સામે ભારત વતી સખત નારાજગી વ્યક્ત કરી છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરનો ‘X’ પર આકરો પ્રહાર
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ શેર કરીને આ ઘટના અંગે ભારતનું કડક વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું કે:
“વાણિજ્યિક શિપિંગ (Commercial Shipping) સામે આવી ઘાતક અને હિંસક કાર્યવાહી કોઈપણ સંજોગોમાં અસ્વીકાર્ય છે. આ અઠવાડિયે ઓમાનના દરિયાકાંઠે ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા ત્રણ જહાજો પર હુમલા કરવામાં આવ્યા હતા, જેમાંથી બુધવારે થયેલા એક હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.”
અમેરિકી દૂતાવાસના વડાને સમન્સ પાઠવવામાં આવ્યા
વિદેશ મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, “મેં શુક્રવારે સાંજે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો સાથે વાત કરી છે અને ખાડીમાં યુએસ નેવીના હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર ભારતના ઉગ્ર વિરોધનો પુનરોચ્ચાર કર્યો છે.”
આ ઘટનાની ગંભીરતાને જોતા ભારતે તાત્કાલિક પગલાં લીધા છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા નવી દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસના ચાર્જ ડી’અફેર્સ (કાર્યકારી વડા) ને સમન્સ પાઠવીને બોલાવવામાં આવ્યા હતા અને સત્તાવાર રીતે ભારતનો આકરો વિરોધ પત્ર સોંપવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન પર પલટવાર
બીજી તરફ, આ તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સમગ્ર વિવાદનો દોષ ઈરાન પર ઢોળ્યો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માંથી પસાર થતા ભારતીય જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું કે, “હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ભારતીય જહાજો પર ઈરાનના ડ્રોન હુમલા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. ઈરાને શક્ય તેટલી વહેલી તકે પોતાની આવી હરકતો સુધારી લેવી જોઈએ.”
Post Views: 0











