સિંગર કાજલ મહેરિયાના નામે કોર્ટમાં થઈ ‘બોગસ’ છૂટાછેડાની અરજી: વકીલની નકલી સહી અને ખોટા સનદ નંબરના ઉપયોગથી કાવતરું, પોલીસ તપાસ તેજ

ગુજરાતની સુપ્રસિદ્ધ લોકગાયિકા કાજલ મહેરિયાના અંગત જીવનને લઈને એક સનસનાટીભર્યો અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણાની ફેમિલી કોર્ટમાં કોઈ અજ્ઞાત શખ્સ દ્વારા કાજલ મહેરિયાના નામે ડિવોર્સ (છૂટાછેડા) ની બોગસ અરજી દાખલ કરવામાં આવતા કાયદાકીય આલમ અને સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે કોર્ટ દ્વારા કાજલ મહેરિયા અને તેના પતિ અલ્પેશ ઠાકોરને સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી. આ અણધાર્યા ઘટનાક્રમથી ખુદ સિંગર અને તેનો પરિવાર પણ સ્તબ્ધ થઈ ગયો છે.

વકીલની નકલી સહી અને બોગસ દાવો: આ રીતે ફૂટ્યો ભાંડો

અદાલતમાં જ્યારે આ શંકાસ્પદ અરજી પર સુનાવણી હાથ ધરાઈ, ત્યારે તેમાં દર્શાવેલા વકીલોએ કોર્ટ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ અરજી પર તેમની કોઈ સહી જ નથી. કોઈ અજાણ્યા ભેજાબાજે વકીલના સત્તાવાર ‘સનદ નંબર’ (License Number) નો ગેરકાયદેસર ઉપયોગ કરીને આ નકલી અરજી કોર્ટમાં જમા કરાવી દીધી હતી. એટલું જ નહીં, અરજીમાં એવો તદ્દન ખોટો દાવો પણ કરવામાં આવ્યો હતો કે કાજલ છેલ્લા ૧૨ મહિનાથી પોતાના પિયરમાં રહે છે અને બંને પતિ-પત્ની વચ્ચે કોઈ મનમેળ રહ્યો નથી.

લગ્નની તારીખોને લઈને પણ મોટું રહસ્ય

અરજીમાં કરાયેલા દાવાઓ અને વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે. કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોરના લગ્ન ૧ મે, ૨૦૨૪ના રોજ હિન્દુ રીત-રિવાજ મુજબ થયા હતા, જ્યારે જાહેરમાં ઉપલબ્ધ મેરેજ સર્ટિફિકેટ અનુસાર બંનેના લગ્ન ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ નોંધાયા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આંતરજ્ઞાતિ લગ્ન હોવાના કારણે શરૂઆતમાં બંનેના પરિવારો અને સામાજિક આગેવાનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો, જેના લીધે આ મામલો અગાઉ પોલીસ સ્ટેશન પણ પહોંચ્યો હતો.

કાયદાકીય એક્શન: રજિસ્ટ્રાર અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

આ ગંભીર છેતરપિંડી અને કાવતરાને પગલે કાજલ મહેરિયાના અસલી વકીલે કોર્ટના રજિસ્ટ્રાર સમક્ષ આ શંકાસ્પદ અરજીની ઉંડાણપૂર્વક તપાસ કરવા માટે લેખિત માંગ કરી છે. બીજી તરફ, પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના આ પ્રયાસ સામે સિંગર કાજલ મહેરિયાએ તાત્કાલિક મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર અરજી આપીને કાયદાકીય પગલાં ભરવાની માંગ કરી છે.

હવે સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે, કાજલ અને તેના પતિના સુખી સંસારમાં ઝેર ઘોળવા માટે કોર્ટની આંખમાં ધૂળ નાખીને આ નકલી અરજી પાછળ કઈ વ્યક્તિ કે કઈ લોબી કામ કરી રહી છે? હાલમાં પોલીસ આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE