હોર્મુઝની કટોકટી અને યુએસ ફુગાવાએ બજારને ધ્રુજાવ્યું: સેન્સેક્સ 367 અને નિફ્ટી 110 પોઈન્ટના ગાબડા સાથે ખુલ્યા, ક્રૂડ ઓઈલ $૯૫ને પાર

મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ઈરાન અને અમેરિકા વચ્ચે સતત વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભડકે બળતા ભાવની સીધી નકારાત્મક અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતોને કારણે આજે ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે ખુલ્યું હતું. ટ્રેડિંગની શરૂઆતમાં જ બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી-૫૦ (Nifty 50) ૧૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩,૧૦૪ ના સ્તરે ખૂલ્યો હતો, જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) ૩૬૭ પોઈન્ટ તૂટીને ૭૩,૬૧૫ ના સ્તરે ખુલતા રોકાણકારોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

યુએસ માર્કેટમાં ભારે વેચવાલી: ડાઉ જોન્સ ૨% તૂટ્યો

મિડલ ઈસ્ટની તંગદિલી અને અમેરિકાના અપેક્ષા કરતાં વધુ ઊંચા આવેલા ફુગાવાના (US Inflation) આંકડાઓએ વૈશ્વિક રોકાણકારોનો ઉત્સાહ જોખમાવ્યો છે. બુધવારે યુએસ માર્કેટ (US Market) માં જોરદાર પ્રોફિટ બુકિંગ અને વેચવાલીનો દોર જોવા મળ્યો હતો. અમેરિકાનો અગ્રણી ઇન્ડેક્સ ડાઉ જોન્સ (Dow Jones) ૧.૯% ગગડ્યો હતો, જ્યારે S&P 500 માં ૧.૬% અને ટેક-સેન્ટ્રિક નાસ્ડેક (Nasdaq) માં અંદાજે ૨% નો મોટો ઘટાડો નોંધાયો હતો, જેની સીધી ચેન-રિએક્શન આજે એશિયન બજારો પર પડી છે.

હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) બંધ થવાની જાહેરાતથી ક્રૂડમાં ભડકો

વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતો વધવા પાછળનું મુખ્ય કારણ ઈરાન દ્વારા વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી ‘હોર્મુઝ સ્ટ્રેટ’ બંધ કરવાની કરાયેલી જાહેરાત છે. આ જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવ આસમાને પહોંચ્યા છે. બ્રેન્ટ ક્રૂડ (Brent Crude) ૨% ની તેજી સાથે પ્રતિ બેરલ $૯૫.૪૦ પર પહોંચી ગયું છે, જ્યારે WTI ક્રૂડ પણ ૩% ઉછળીને $૯૨.૬૩ પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે.

ભારત માટે કેમ વધી શકે છે મુશ્કેલી?

ભારત પોતાની જરૂરિયાતનું અંદાજે ૮૦-૮૫% ક્રૂડ ઓઈલ વિદેશોમાંથી આયાત કરે છે. આવી સ્થિતિમાં જો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ મોંઘું થાય, તો ભારતનું આયાત બિલ (Import Bill) નોંધપાત્ર રીતે વધી જાય છે. ક્રૂડના ભાવમાં આ સતત ઉછાળો ભારતમાં સ્થાનિક સ્તરે મોંઘવારી (Inflation Risk) અને રાજકોષીય ખાધ વધારવાનું મોટું જોખમ ઊભું કરી શકે છે. જેના કારણે બજારના નિષ્ણાતો હાલ રોકાણકારોને સાવચેતીપૂર્વક વલણ અપનાવવાની સલાહ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE