ઇમ્ફાલ: મણિપુરમાં શાંતિ સ્થાપવાના તમામ પ્રયાસો વચ્ચે ફરી એકવાર ભયાનક નરસંહારની ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. કાંગપોકપી જિલ્લાના લેઇલોન વૈફેઈ ગામ નજીકથી છેલ્લા ૨૮ દિવસથી ગુમ થયેલા ૬ નાગા નાગરિકોના અત્યંત વિકૃત અને સડેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા છે. આ તમામ લોકો ગત ૧૩ મેના રોજ અચાનક ગુમ થયા હતા. મણિપુર પોલીસ, સીઆરપીએફ (CRPF) અને આસામ રાઇફલ્સના ૪૫૦ જવાનોની ૧૫ અલગ-અલગ ટીમોએ ચલાવેલા સંયુક્ત સર્ચ ઓપરેશન બાદ આ મૃતદેહો શોધી કઢાયા છે.
હોસ્પિટલ બહાર ટીયર ગેસના સેલ છૂટ્યા, ઉગ્ર ભીડે ટ્રકો ફૂંકી મારી
મૃતદેહો ઓળખી ન શકાય તેટલી હદે સડી ગયા હોવાથી તેમની સત્તાવાર ઓળખ માટે ઇમ્ફાલની હોસ્પિટલમાં ડીએનએ (DNA) ટેસ્ટ કરવામાં આવશે. આ ક્રૂર હત્યાકાંડના સમાચાર વાયુવેગે ફેલાતા જ સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઇમ્ફાલ હોસ્પિટલ બહાર એકત્ર થયેલી ઉગ્ર ભીડને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. બીજી તરફ, સેનાપતિ જિલ્લામાં રોષે ભરાયેલા ટોળાએ હિંસક વિરોધ પ્રદર્શન કરીને ૨ ટ્રકોને આગને હવાલે કરી દીધી હતી.
શાંતિ વાટાઘાટો વચ્ચે પીઠમાં છરો ભોંકાયો: વિવાદનું મૂળ
આ સમગ્ર વિવાદ ૧૩ મેના રોજ નોની અને કાંગપોકપી જિલ્લાની સરહદે ફાટી નીકળેલી હિંસા સાથે જોડાયેલો છે, જેમાં ૩ પાદરીઓ સહિત ૪ લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ નાગા અને કુકી સમુદાય વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો અને બંને તરફથી અંદાજે ૪૪ થી ૪૮ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.
પરિસ્થિતિ થાળે પાડવા માટે તાજેતરમાં જ નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયો અને મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ મધ્યસ્થતા કરી હતી. આ શાંતિ વાટાઘાટોના પગલે નાગા સંગઠનોએ ઉદારતા બતાવીને પોતાના કબજામાં રહેલા ૧૪ કુકી નાગરિકોને મુક્ત કર્યા હતા. પરંતુ આ સદ્ભાવનાના બીજા જ દિવસે ૬ નાગા પુરુષોની હત્યા કરાયેલા શવ મળી આવતા નાગા કાઉન્સિલ સ્તબ્ધ અને ભારે આઘાતમાં છે.
નાગા સંગઠનોની આકરી માંગ: ડેપ્યુટી સીએમને હટાવવા દબાણ
આ નરસંહારના વિરોધમાં નાગા સમુદાયની સર્વોચ્ચ સંસ્થા ‘યુનાઇટેડ નાગા કાઉન્સિલ’ (UNC) એ નાગા પ્રભુત્વ ધરાવતા તમામ વિસ્તારોમાં ૨૪ કલાકના સખત બંધનું એલાન આપ્યું છે. સંગઠને આરોપ લગાવ્યો છે કે કુકી બળવાખોર જૂથ KNF-P સાથે કનેક્શન હોવાની શંકાના ઘેરાવમાં આવેલા ડેપ્યુટી સીએમ નેમચા કિપગેનને તાત્કાલિક પદ પરથી હટાવવામાં આવે અને સરકાર દ્વારા ઉગ્રવાદીઓ સાથે કરાયેલા તમામ ‘SoO કરાર’ રદ કરવામાં આવે.
સીએમ દ્વારા તપાસ NIAને સોંપવાની સત્તાવાર જાહેરાત
મામલાની ગંભીરતા અને રાજ્યની અસ્થિરતાને જોતા મણિપુરના મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે આ અમાનવીય ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી છે. વહીવટી તંત્રની નિષ્પક્ષતા સાબિત કરવા અને ગુનેગારોને ફાંસીના માચડે લટકાવવા માટે મુખ્યમંત્રીએ આ સમગ્ર હાઈપ્રોફાઈલ કેસની તપાસ તુરંત એનઆઈએ (NIA – નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) ને સોંપવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
Post Views: 0











