બેઇજિંગ: ચીનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગુઆંગ્શી (Guangxi) પ્રાંતના શિંગઆન કાઉન્ટીમાંથી એક અત્યંત ભયાનક અને સનસનીખેજ દુર્ઘટના સામે આવી છે. અહીં લિંગઝિયાંગ રોડ પર વહેલી સવારે એક જોરદાર રહસ્યમય બ્લાસ્ટ થતાં ભારે વિનાશ સર્જાયો છે. આ પ્રચંડ અકસ્માતમાં અંદાજે ૭ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે ૧૭થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ધમાકો એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને આસપાસની મજબૂત ઇમારતો પત્તાના મહેલની જેમ ધ્રૂજી ઉઠી હતી.
અડધી રાત્રે ઊંઘતા લોકો પર તૂટી પડી આફત
સ્થાનિક વહીવટીતંત્રના સત્તાવાર અહેવાલ મુજબ, આ વિનાશક વિસ્ફોટ મધ્યરાત્રિએ આશરે ૧:૪૦ વાગ્યે થયો હતો, જ્યારે મોટાભાગના નાગરિકો ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને હાઇ-લેવલ મેડિકલ ટીમ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે ઓન-સાઇટ કમાન્ડ સેન્ટર ઊભું કરીને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કાટમાળ નીચે કોઈ નાગરિક દબાયેલો ન રહે તે માટે બચાવ ટીમોએ સ્નિફર ડોગ્સની મદદથી સતત ૪ વખત સઘન સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. કાટમાળમાંથી બહાર કઢાયેલા ૧૭ ઘાયલોને નજીકની હાઈટેક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં હાલ તમામની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ગેસ પાઇપલાઇન લીકેજનો દાવો ફગાવાયો
શરૂઆતના તબક્કે સ્થાનિક મીડિયા અને નિષ્ણાતો દ્વારા એવા કયાસ લગાવવામાં આવી રહ્યા હતા કે આ બ્લાસ્ટ રહેણાંક વિસ્તારની કોઈ મોટી અંડરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇનમાં લીકેજ અથવા તકનીકી ખામીના કારણે થયો હોઈ શકે છે. જોકે, ઘટનાસ્થળની બારીકાઈથી તપાસ કર્યા બાદ ચાઈનીઝ સેફ્ટી ઇન્સ્પેક્ટરોએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રચંડ ધમાકાને ગેસ પાઇપલાઇન સાથે કોઈ જ લેવાદેવા નથી.
ગુનાહિત કાવતરું કે કેમિકલ બ્લાસ્ટ? મિલિટરી એક્સપર્ટ્સ મેદાને
ગેસ પાઇપલાઇનની શક્યતા સંપૂર્ણપણે નકારવામાં આવ્યા બાદ હવે આ ધમાકો કઈ પ્રતિબંધિત વસ્તુ કે કેમિકલના કારણે થયો, તે રહસ્ય હજુ સુધી અકબંધ છે. હાલમાં ચાઈનીઝ મિલિટરીના કેમિકલ અને સ્ટેટ ફોરેન્સિક એક્સપર્ટની ખાસ ટીમો ઘટનાસ્થળેથી પુરાવા અને સેમ્પલ એકઠા કરી રહી છે. આ જીવલેણ વિસ્ફોટ પાછળનું અસલી કારણ શું છે અને આમાં કોઈ આતંકી કે ગુનાહિત કાવતરૂં સામેલ છે કે કેમ, તે જાણવા માટે ચીન સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
Post Views: 0











