સુખસર તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો: ભરત ડિંડોર પ્રમુખ અને મંજુલાબેન ગરાસીયા બન્યા ઉપપ્રમુખ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાના સમીકરણો વચ્ચે સુખસર તાલુકા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કર્યો છે. સુખસર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થતાં પંચાયત ભવન પર ભગવો લહેરાયો છે.

આ ચૂંટણીમાં ભાજપ તરફથી પ્રમુખ પદના ઉમેદવાર ભરતભાઈ ડિંડોર અને ઉપપ્રમુખ પદના ઉમેદવાર મંજુલાબેન ગરાસીયા બહુમતી સાથે વિજેતા જાહેર થયા છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ સત્તાવાર રીતે ભરત ડિંડોરને સુખસર તાલુકા પંચાયતના પ્રમુખ અને મંજુલાબેન ગરાસીયાને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :

ફતેપુરામાં મુસ્લિમ સમાજના કબરસ્તાન સામે ગેરકાયદે ડમ્પિંગ યાર્ડથી ગંદકીનું સામ્રાજ્ય: સ્થળ બદલવા મામલતદાર અને TDOને આવેદનપત્ર

ભાજપના આ ભવ્ય વિજયને પગલે તાલુકા પંચાયત પરિસરમાં એકત્રિત થયેલા પક્ષના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો અને મોટી સંખ્યામાં આવેલા કાર્યકરોએ અબીલ-ગુલાલની છોળો ઉડાડી, ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી જીતનો જશ્ન મનાવ્યો હતો.

નવનિયુક્ત પ્રમુખ ભરત ડિંડોર અને ઉપપ્રમુખ મંજુલાબેન ગરાસીયાએ પક્ષના મોવડી મંડળ, સાથી સભ્યો અને તાલુકાની જનતાનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં સુખસર તાલુકાના છેવાડાના ગામડાઓ સુધી સરકારી યોજનાઓ પહોંચાડવી અને તાલુકાનો સર્વાંગી વિકાસ કરવો એ જ અમારી પ્રાથમિકતા રહેશે. આ વિજય ઉત્સવ પ્રસંગે સ્થાનિક ભાજપ સંગઠનના આગેવાનો અને કાર્યકરોએ નવનિયુક્ત હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

રિપોર્ટર :યાસીર ગુડાલા, દાહોદ

Leave a Comment

READ MORE

READ MORE