ચોમાસા પહેલા MGVCLમાં ઉકળાટ : કર્મચારીઓ-એન્જિનિયર્સનો કાળી પટ્ટી સાથે વિરોધ પ્રદર્શન

ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના બેનર હેઠળ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને GEB એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા આજે તા. 25 મે 2026ના રોજ વડોદરા સ્થિત મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL)ની કોર્પોરેટ કચેરી આગળ મેનેજમેન્ટ વિરુદ્ધ કાળી પટ્ટી પહેરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. સમિતિ દ્વારા અગાઉ તા. 1 મે 2026ના રોજ આંદોલન નોટિસ પાઠવવામાં આવી હતી. જેના અનુસંધાને આ કાર્યક્રમ યોજાયો હોવાનું જણાવાયું છે.

સમિતિના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓમાં આવેલી MGVCLની 128 પેટા વિભાગીય, 18 વિભાગીય અને 7 વર્તુળ કચેરીઓમાં 4500થી વધુ લાઈન સ્ટાફ, તમામ બિલિંગ સ્ટાફ તેમજ અંદાજે 700 એન્જિનિયર્સે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.

કર્મચારી સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે, મેનેજમેન્ટના કેટલાક નિર્ણયો અને ઉચ્ચ અધિકારીઓના વલણને કારણે કર્મચારીઓ તેમજ અધિકારીઓમાં અસંતોષ અને ભયનું વાતાવરણ સર્જાયું છે. ખાસ કરીને ટેકનિકલ સ્ટાફ પાસેથી સ્માર્ટ મીટર બદલાવવાની કામગીરી, સોલાર રજીસ્ટ્રેશન અને બિલ વિતરણ જેવી વધારાની જવાબદારીઓ લેવાતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

સમિતિએ વધુમાં જણાવ્યું હતું કે, MGVCLમાં પૂરતા પ્રમાણમાં સ્ટાફ ઉપલબ્ધ નથી અને લાંબા સમયથી ભરતી ન થતા પ્રીમોન્સૂન મેન્ટેનન્સ જેવી મહત્વની કામગીરી પ્રભાવિત થઈ રહી છે. જેના કારણે ચોમાસા દરમિયાન વીજ વિક્ષેપ વધવાની અને જનતાને મુશ્કેલી ભોગવવાની શક્યતાઓ ઉભી થઈ રહી હોવાનું પણ જણાવ્યું હતું.

ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ સાથે ઉદ્ધતાઈથી વર્તન થતું હોવાના આક્ષેપ સાથે સમિતિએ જણાવ્યું હતું કે, મટીરીયલ, પોલ અને કોન્ટ્રાક્ટરની અછત હોવા છતાં કામગીરી પૂર્ણ થયેલા દર્શાવવા દબાણ કરવામાં આવે છે. સાથે જ બદલી અથવા કેરિયર ખરાબ કરવાની ધમકીઓ આપવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

હાલની ગરમીની પરિસ્થિતિમાં લાઈન સ્ટાફને રાહત મળે તે માટે અગાઉ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થવા અંગે પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ઉપરાંત MGVCLમાં જુનિયર આસિસ્ટન્ટ અને જુનિયર ઈજનેરની મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી હોવાના કારણે વર્કલોડ વધી ગયો હોવાનું જણાવી તાત્કાલિક ભરતી અને બઢતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી હતી.

સમિતિએ વધુમાં જણાવ્યું હતું કે, વિવિધ બદલી અને વહીવટી પ્રશ્નોના નિરાકરણમાં પણ વિલંબ થઈ રહ્યો છે. જેના કારણે કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો છે. બેનામી ફરિયાદોની તપાસ અને ખાતાકીય કાર્યવાહી બાબતે પણ નિયમોનું પાલન ન થતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

અંતે સંયુક્ત સંકલન સમિતિએ જણાવ્યું હતું કે, તેઓ જાહેર હિત, વીજ ગ્રાહકોની સુવિધા અને કર્મચારીઓના સુરક્ષિત તથા માનવીય કાર્યપરિવેશ માટે આ મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે અને

મેનેજમેન્ટ સાથે રચનાત્મક ચર્ચા દ્વારા ઉકેલ લાવવા ઇચ્છે છે.સમિતિએ ચેતવણી આપી હતી કે, જો પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ કરવાની ફરજ પડશે. આવી સ્થિતિમાં ચોમાસા અને વાવાઝોડા જેવી ઈમરજન્સી દરમિયાન જનતાને થતી અસરો માટે મેનેજમેન્ટ જવાબદાર રહેશે તેમ જણાવ્યું હતું.

રીપોર્ટર :અંજુમ ખત્રી, છોટાઉદેપુર

Leave a Comment

READ MORE

READ MORE