છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઊંચાપાન-ડુંગરવાટ-જામુઘોડા માર્ગ પર રાત-દિવસ દોડતા રેતીના બેફામ ડમ્પરોએ વધુ એક નિર્દોષ પરિવારની ખુશીઓ પર કાળો કેર વર્તાવ્યો છે. વા. બામરોલી ગામના માતા અને પુત્ર પોતાની મોટરસાયકલ પર સાસરી પક્ષના ગામે જઈ રહ્યા હતા, ત્યારે રેતી ભરેલા એક હાઈવા ડમ્પરે તેમને જોરદાર અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં બંનેને લોહીલુહાણ હાલતમાં બોડેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
7 દિવસ પહેલાં જ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, ખુશીઓ માતમમાં બદલાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર, વા. બામરોલી ગામના શ્રમજીવી યુવક અશોકના લગ્ન હજુ એક સપ્તાહ પહેલાં જ માલધી ગામે થયા હતા. પિતાની ગેરહાજરીમાં ઘરની તમામ જવાબદારી અશોક પર હોવાથી તે કાઠિયાવાડ વિસ્તારમાં ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. લગ્ન માટે જ તે વતનમાં આવ્યો હતો અને આજે લગ્ન બાદ પ્રથમ વખત પોતાની માતાને સાથે રાખીને મોટરસાયકલ પર સાસરીમાં (માલધી ગામે) જઈ રહ્યો હતો, ત્યાં જ રસ્તામાં કાળ આંબ્યો હતો.
રોડના ખાડાએ સર્જ્યો અકસ્માત: 10 ફૂટ સુધી બાઇક ઘસડાઈ
અકસ્માતની વિગત એવી છે કે ઊંચાપાન નાના કાટવા સુખી જળાશય કેનાલ પાસેથી પસાર થતી વખતે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા રેતી ભરેલા ડમ્પરના ચાલકે રોડ પરના ખાડાથી બચવા અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ડમ્પરે અશોકની બાઇકને એવી જોરદાર ટક્કર મારી કે મોટરસાયકલ રોડ પર અંદાજે 10 ફૂટ સુધી ઘસડાઈ ગઈ હતી. અકસ્માતમાં:
-
પુત્ર (અશોક): માથાના ભાગે ગંભીર ઈજાઓ અને પગમાં ફેક્ચર.
-
માતા: હાથ અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ.
મુસ્લિમ હોટલ સંચાલકે દાખવી અદ્ભુત માનવતા
અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક બચાવ કાર્ય માટે દોડી આવ્યા હતા. તે સમયે સ્થાનિક મુસ્લિમ સમાજના હોટલ સંચાલક ઇમરાન પઠાણે અદ્ભુત માનવતા દાખવી હતી. તેમણે ઈજાગ્રસ્ત યુવક અશોકના માથામાંથી વહેતું અતિશય લોહી રોકવા માટે તાત્કાલિક પોતાનો રૂમાલ ઘા પર બાંધી દીધો હતો અને એમ્બ્યુલન્સ બોલાવી લોહી વહી જતાં યુવકનો જીવ બચાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો હતો.
સ્થાનિકોમાં ભારે આક્રોશ: ઘટનાની જાણ થતાં જ બોડેલી પોલીસ અને પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ઊંચાપાનથી ડુંગરવાટ તરફ ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો કોઈ પણ પ્રકારના ડર વગર બેફામ સ્પીડે દોડે છે. અવારનવાર થતા આ અકસ્માતોને રોકવા માટે તંત્ર ઓવરલોડ વાહનો સામે કડક કાનૂની કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે.
Post Views: 26










