માનવ જીવનમાં રક્તદાનનું ખૂબ જ મહત્વ છે અને જ્યારે આ દાન કોઈના જન્મદિવસ નિમિત્તે સેવાકાર્ય તરીકે કરવામાં આવે ત્યારે તેનો આનંદ બેવડાઈ જાય છે. આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો માણાવદર તાલુકાના બાંટવા ગામે સામે આવ્યો છે. જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાંટવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર રાજસીભાઈ બોરખતરીયાના 56મા જન્મદિવસ નિમિત્તે આ વિશેષ કેમ્પ યોજાયો હતો. સામાન્ય રીતે લોકો પોતાનો જન્મદિવસ વૈભવી રીતે ઉજવતા હોય છે, પરંતુ રાજસીભાઈએ તેમના 57મા વર્ષના પ્રારંભને સમાજ ઉપયોગી બનાવવા માટે સિવિલ હોસ્પિટલ જૂનાગઢના સહયોગથી આ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું.
આ સેવાકાર્યમાં બાંટવા અને આસપાસના ગ્રામજનોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ના સૂત્રને સાર્થક કરતા યુવાનો અને ગ્રામજનોએ સ્વયંભૂ આગળ આવીને રક્તદાન કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે, રાજસીભાઈના 57મા વર્ષના પ્રારંભે બરાબર 57 બોટલ રક્ત એકત્રિત કરી ગ્રામજનોએ તેમને જન્મદિવસની અનોખી ભેટ આપી હતી.
કેમ્પના સફળ આયોજન બદલ સુપરવાઈઝર રાજસીભાઈ બોરખતરીયાએ પીએચસી બાંટવા સ્ટાફ, તાલુકા હેલ્થ ટીમ માણાવદર, તેમજ સિવિલ હોસ્પિટલ જૂનાગઢની બ્લડ બેંકની ટીમનો આભાર માન્યો હતો. આ સાથે જ તેમણે ટૂંકી નોટિસમાં આવીને મોટી સંખ્યામાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓ અને ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. એકત્રિત થયેલું આ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
તસવીર અહેવાલ: જીજ્ઞેશ પટેલ, માણાવદર
Post Views: 29













