બકરી ઈદ પૂર્વે ગુજરાત પોલીસ એક્શનમાં: ગેરકાયદે પશુ હેરફેર-કતલ કરનારા ખેરખાઓ પર ત્રાટકશે પોલીસ, કાયદેસરના વેપારીઓને કનડગત ન કરવા DGPનો કડક આદેશ

પવિત્ર તહેવાર બકરી ઈદને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય પોલીસ વડા (DGP) ની કચેરી દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રાખવા માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક (કાયદો અને વ્યવસ્થા) મકરંદ ચૌહાણ દ્વારા રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ વડાઓ અને જિલ્લા પોલીસ અધીક્ષકો (SP) ને આ અંગે ચૂસ્ત અમલવારી કરવા માટે સ્પષ્ટ આદેશો જારી કરાયા છે.

આ પરિપત્રમાં એક તરફ ગેરકાયદેસર પશુઓની હેરાફેરી અને કતલ પ્રવૃત્તિઓ સામે કડક હાથે કામ લેવાની વાત કરાઈ છે, તો બીજી તરફ નિયમબદ્ધ અને કાયદેસર રીતે પશુઓની હેરફેર કરનારા વેપારીઓને કોઈ બિનજરૂરી કનડગત ન થાય તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે.

🚨 પોલીસ વડાઓ માટે જાહેર કરાયેલી ૩ મહત્વની ગાઇડલાઇન્સ:

ગુજરાત પોલીસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં મુખ્યત્વે ત્રણ કડક મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે:

  • ૧. શંકાસ્પદ વિસ્તારોમાં સર્વેલન્સ અને રેડ (Surveillance & Raids):

જે વિસ્તારોમાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરી થવાની સહેજ પણ સંભાવના હોય, તેવા સંવેદનશીલ વિસ્તારો પર પોલીસની ખાસ નજર (વોચ) રહેશે. આવા સ્થાનો પર ઓચિંતી રેડ (દરોડા) પાડીને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

  • ૨. રીઢા ગુનેગારો અને ગેરકાયદે કતલખાનાઓ પર વજ્રઘાત:

ભૂતકાળમાં જે વિસ્તારો અથવા વ્યક્તિઓ ગેરકાયદેસર પશુ તસ્કરી કે ગેરકાયદેસર કતલખાના ચલાવવાની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રહ્યા છે, તેમની યાદી બનાવી કડક વોચ રાખવામાં આવશે.

  • ૩. કાયદેસરના વેપારીઓને બિનજરૂરી કનડગત નહીં (Strict Alert):

એનિમલ વેલફેર બોર્ડની સૂચનાઓ અનુસાર ગાય કે ગૌવંશ સિવાયના પશુઓ (જેમ કે ઘેટા-બકરા, ભેંસ, પાડા) ની કાયદેસર પરવાના (લાયસન્સ) સાથે હેરફેર કરનારા લોકોને કે સરકારી નિયમો હેઠળ ચાલતા કતલખાનાઓને કોઈ પણ પ્રકારની ખોટી હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા પોલીસને તાકીદ કરાઈ છે.

🛡️ શાંતિ સમિતિ અને કાયદો-વ્યવસ્થા પર જોર

DGPની મંજૂરીથી આદેશ: પોલીસ ભવન, ગાંધીનગર ખાતેથી સુપરત કરાયેલા આ પત્રમાં જણાવાયું છે કે, તહેવાર દરમિયાન રાજ્યમાં કોઈ પણ જગ્યાએ કોમી સૌહાર્દ ન બગડે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન સંપૂર્ણપણે સજ્જ રહેશે. તમામ નિકાસકારો અને વેપારીઓએ પણ ટ્રાન્સપોર્ટેશનના નિયમોનું પાલન કરવાનું રહેશે.

Leave a Comment

READ MORE

READ MORE